Site icon Revoi.in

ગુજરાત બોર્ડના ધોરણ 10માં બેઝિક ગણિતને લીધે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે

Social Share

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાવામાં આવ્યું હતું હવે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો.12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવ્યું છે. જ્યારે ધોરણ 10નું પરિણામ પણ ગત વર્ષ કરતા ઊંચુ આવશે એ નક્કી છે, કારણ કે, મોટાભાગના વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થતા હતા. આ વખતે ગણિત વિષયમાં બે વિકલ્પો આપવામાં આવ્યા હતા. બેઝીક ગણિત સહેલુ હોવાથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. તેમ શિક્ષણ વિદોનું માનવું છે.

રાજ્યના શિક્ષણવિદોના કહેવા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં આ વખતે ગણિતમાં બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેના લીધે ધોરણ 10માં ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. જોકે, તેની સામે પરિણામમાં વિજ્ઞાનમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે એવું માનવું છે. ગણિતના લીધે નાપાસ થનારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે પરંતુ વિજ્ઞાનમાં નબળા હશે તે વિદ્યાર્થીઓના માથે લટકતી તલવાર રહેશે. મહત્વનું છે કે, દર વર્ષે ધોરણ 10માં મોટી સંખ્યામાં ગણિત વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓનું પરિણામ સુધરે તે માટે શિક્ષણ બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે દસમા ધોરણમાં ગણિતમાં બે વિકલ્પ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી આગળનો અભ્યાસ ગણિત સાથે કરવા માગતા હોય તેમના માટે ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ અપાયો હતો. જ્યારે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી આગળનો અભ્યાસ ગણિત વિના કરવા માગતા હોય તેમના માટે બેઝિક ગણિતનો વિકલ્પ અપાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ આ પ્રકારના બે વિકલ્પ અપાયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ગણિત બેઝિક પ્રમાણમાં સરળ હોવાથી લગભગ આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓએ તેની સાથે પરીક્ષા આપવાનું પસંદ કર્યું હતું. જ્યારે 1.25 લાખ વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ, વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કરતાં આ વખતના પરિણામમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. 2020ના ગણિત વિષયના પરિણામમાં ધોરણ 10માં સૌથી વધુ 3.10 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ વર્ષે મહત્તમ વિદ્યાર્થીઓએ ગણિત બેઝિક પસંદ કર્યું હોવાથી ધોરણ 10ના ચાલુ વર્ષના પરિણામમાં ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40થી 50 ટકાનો ઘટાડો નોંધાશે તેમ નિષ્ણાતોનું માનવું છે. જોકે, તેની સામે વિજ્ઞાન વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ પણ નિષ્ણાતો કહી રહ્યા છે. 2020માં વિજ્ઞાનમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2.80 લાખ જેટલી હતી. પાછલા બે વર્ષથી કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓનો યોગ્ય અભ્યાસ ના થયો હોવાથી તેની અસર ધોરણ 10ના પરિણામ પર દેખાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો, વિજ્ઞાન વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ વધશે.