Site icon Revoi.in

જેમને તમને પ્રેમ આપ્યો, હવે તમે જ તેને ભાંડી રહ્યા છો, મેવાણીએ હાર્દિકને આપ્યો જવાબ

Social Share

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાંથી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસને ભાંડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પર જાતિવાદ સહિતના આક્ષેપો કરી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં કોંગ્રેસે સાથ આપ્યો હતો. જેમણે તને પ્રેમ આપ્યો છે. તેમને જ પોતાના સ્વાર્થ માટે ગાળો આપવી યોગ્ય નથી. હાર્દિક ત્રણ વર્ષ કોંગર્સમાં રહ્યો ત્યારે કોંગ્રેસ સારી હતી હવે પોતાનો સ્વાર્થ ન સંતોષાતા એકાએક કોંગ્રેસ ખરાબ થઈ ગઈ, હાર્દિકે હવે આત્મચિંતન કરવાની જરૂર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. એમાં પણ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ એક બાદ એક નિવેદનો કરી રાજકીય હલચલ મચાવી દીધી છે. હાર્દિક પટેલે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સામે બાંયો ચડાવી છે. હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદથી લઈ ગુજરાત વિરોધી હોવાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને જવાબો આપવામાં આવી રહ્યા છે. ત્યારે જિજ્ઞેશ મેવાણીએ હાર્દિકના એક-એક સવાલના જવાબો આપ્યા છે. મેવાણી કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી પાર્ટી છે એવું કહેવું એ યોગ્ય નથી. હાર્દિકને  કોંગ્રેસ સામે કોઈ વાંધો વિરોધ થઈ શકે, એને કારણે તમે ગુજરાત વિરોધી અને દેશ વિરોધી ચિતરવાની વાત કરો તે યોગ્ય નથી.

જિજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે રાજીનામું આપતી વખતે ચિકન-સેન્ડવિચ કંઈ દલીલનો મુદ્દો હોઈ શકે? હાર્દિકનો આક્ષેપ હતો કે, કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કરવાનું જ કામ કરે છે. મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. તેના જવાબમાં મેવાણીએ કહ્યું હતું કે તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો? જે માણસે તમને પ્રેમ આપ્યો, જે માણસ સાથે તમારી એક્સેસ હતી, હું કહું બહુ મોટા લીડર્સની પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે એક્સેસ હતી, મારી પણ નથી હોતી. 26-27 વર્ષની ઉંમરે તમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, તમને પંપાળ્યા, સ્ટાર પ્રચારક બનાવ્યા. આ બધું છતાં તમારી નાની માગણી ના સંતોષાય એને કારણે કોંગ્રેસમાં ના રહી શકો તો ગરિમાપૂર્ણ રીતે છોડી શકાય. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી, પણ તેણે ગરિમાપૂર્ણ રીતે છોડી છે.

કોંગ્રેસને જાતિવાદી પાર્ટી ગણાવવાના હાર્દિક પટેલને સણસણતો જવાબ આપતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે તમે ત્રણ વર્ષ કોંગ્રેસમાં રહ્યા અને નેતૃત્વના શીર્ષ પર હતા ત્યારે વાંધો વિરોધ ન દેખાયો. કોંગ્રેસે ચિંતન નહીં, ચિંતા કરવાની જરૂર છે એવા હાર્દિકના નિવેદન અંગે જણાવ્યું હતું કે ચિંતા પણ કરીશું, ચિંતન પણ કરીશું, તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ બંધ કરી દો.