Site icon Revoi.in

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

Social Share

રાજકોટ:આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો તેની અનોખી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આ મેળો યોજાવાનો છે જ્યાં હાલમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. પાંચથી થી સાત દિવસમાં વિવિધ રાઈડ્સની ઈન્સ્ટોલેશનની કામગીરી થાય છે. રાજકોટના આ લોકમેળામાં સો જેટલી નાની મોટી રાઇડસના એક હજારથી વધુ કારીગરો ઈન્સ્ટોલેશનના કામે લાગી ચૂક્યા છે. આ તમામને આ મેળામાં કામ અને રોજગારી મળી રહેશે.આગામી 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી એટલે કે પાંચ દિવસ સુધી આ લોકમેળો યોજાનાર છે.

રંગીલા રાજકોટના લોકમેળામાં રંગરોગાન થઈ રહ્યા છે. ઈન્સ્ટોલેશનના કામ પહેલા રાઈડ્સના વિવિધ પાર્ટસને રંગબેરંગી ઓઇલ કલર(પેઇન્ટ) કરવામાં આવી રહ્યા છે. ફજર ફાળકા તેમજ ઝુલાને ગોઠવી તેના પર આકર્ષક રંગો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા વધુને વધુ લોકો આ ઝુલા પર આવે, જેથી તેમની રાઈડ્સ સુંદર અને આકર્ષક લાગે, લોકો રાઈડ્સ તરફ ખેંચાય – આકર્ષિત થઈ શકે. ને વેપાર વધે. કેટલાક પાર્ટસને ઓઇલ અને ગ્રીસ કરવામાં આવે છે. જેનાથી રાઈડ્સ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલી શકે.

રાજકોટમાં યોજાનારા લોકમેળાની ઝગમગાટ બે પ્રકારની હોય છે. દિવસ દરમિયાન મેળાના મુલાકાતીઓને રંગબેરંગી ફઝર ફાળકાનો આનંદ મળશે. તો રાત્રે ઝગમગાટ કરતી રંગીન રોશનીની જમાવટ નિહાળશે.

લોકમેળામાં ઉંચી ઉંચી એકથી એક ચડિયાતી રંગબેરંગી અને રાત્રે રોશનીથી ઝળહળતી રાઈડ્લની મજા તો સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને લેતાં જ હોય છે, પરંતુ આ રાઈડ્સ સાથે સંકળાયેલા કારીગરો કઈ રીતે, ક્યાંથી વિવિધ સ્થળોએ રાઈડ્સ લઇ જાય છે, તેની જાળવણી અને ઈન્સ્ટોલેશનની કામગીરી કઈ રીતે થાય છે અને બેશક… વેપાર કેવો થાય છે એ માટે રાઈડ્સના કારીગરો પાસેથી જાણીએ.મુંબઈથી ત્રણ ઝુલા રાઈડ લઈને આવેલ કારીગર આશિક શેખ કહે છે કે, “અમે આખું વર્ષ દિવાળી, જમાષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારોમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં યોજાતા વિવિધ મેળામાં રાઈડ્સ લઈને જઈએ છીએ, પરંતુ રાજકોટ જેવો ચિક્કાર જનમેદનીવાળો આટલો મોટો મેળો મેં ક્યારેય જોયો નથી. દેશભરમાં યોજાતા લોકમેળામાં રાજકોટનો મેળો શ્રેષ્ઠ અને ખરા અર્થમાં લોકપ્રિય મેળો ગણી શકાય છે. આ લોકમેળો અમને સારી એવી આવક આપે છે. અમારા કારીગરો માટે આ આજીવિકાનુ સાધન છે.”