Site icon Revoi.in

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

Social Share

અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના રામજી મંદિરમાં અયોધ્યાથી પ્રસાદીરૂપે આપેલ 10 ગ્રામ ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની કાયમી સ્થાપના કરવામાં આવી.અયોધ્યા ખાતે બિરાજમાન રામલલાના દર્શન જેવી જ ભક્તોને ચોટીલા રામજી મંદિર ખાતે અનુભૂતિ થાય તેવા હેતુથી સ્થાપના કરવામાં આવી.

ચોટીલાના મહંત મનસુખગિરિ બાપુ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ સહભાગી થયા હતા તે દરમિયાન પ્રસાદી રૂપે પૂજામાં રાખવા માટે ચાંદીનો સિક્કો તેમજ કાળા પથ્થરનો ટુકડો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આપવામાં આવ્યો હતો. 10 ગ્રામ ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની કાયમી સ્થાપના દરમિયાન ચોટીલા મંદિરના મહંત મનસુખગીરી બાપુ, રામજી મંદિરના મહંત હરિપ્રસાદજી બાપુ સહિતના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

આજે રામનવમી નિમિત્તે ખેડા જિલ્લામાં વિવિધ રામ મંદિરો અને સાંઈ મંદિરોમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી છે .તે અંતર્ગત ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે પશ્ચિમ વિસ્તારમાં આવેલ 20 વર્ષ જૂના  સાંઈ  મંદિર થી ભગવાન શ્રીરામની , શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આણંદ જિલ્લાના વિદ્યાનગરના યુવાનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ  રામભક્તો જય શ્રી રામ ના નારા સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા. અમરેલીમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર, ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.