Site icon Revoi.in

બાયડ, વાઘોડિયા અને પાદરા બેઠક પર બળવાખોર ઉમેદવારો ભાજપની જીતનું ગણિત બગાડશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની ચૂંટણીમાં આવતાકાલે તા.5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવારો ભાજપનું ગણિત બગાડી શકે તેમ છે. બાયડ,વાઘોડિયા અને પાદરાની બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અને ત્રણેય ઉમેદવારો  પોતાના વિસ્તારમાં સારૂએવું વર્ચસ્વ ધરાવી રહ્યા છે. અને તેની ભાજપના મતો જ તોડશે એવું માનવામાં આવી રહ્યું છે. ધવલસિંહ ઝાલા, મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા,  આ ત્રણ એવા નામ છે જેણે ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભાજપની ચિંતા વધારી દીધી છે.

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની કાલે સોમવારે યાજાનારી ચૂંટણીમાં 3 બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઇની નજર રહેશે. જેનું કારણ એ છે. કે, ભાજપના બળવાખોર ઉમેદવારો. આ ઉમેદવારો ભાજપ માટે ચિંતાનું કારણ બની ગયા છે. કારણ કે, ત્રણેય બેઠકો પર ભાજપના એક સમયના દિગ્ગજો જ તેમની સામે છે. બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને પાદરા બેઠક પરથી દિનેશ પટેલને હરાવવા હરીફ ઉમેદવારોને ખૂબ મુશ્કેલી પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.બાયડ બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલાએ ઘણાં ધમપછાડા કર્યા હતા. પરંતુ ભાજપ ટસનું મસ ન થતા ધવલસિંહે અંતે અપક્ષ  ઉમેદવારી નોંધાવી પરિણામે ભાજપે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. જ્યારે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભાજપના સિટીંગ અને માથાભારે ગણાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 7મી વખત ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે પણ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુમામાએ પણ પોતાની ટિકિટ કપાતા ભાજપ સામે બંડ પોકાર્યું અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે ત્રણેય બળવાખોર ઉમેદવારો ભાજપની જીતનું ગણિત બગાડશે એવું હાલ લાગી રહ્યું છે. ભાજપના પોકેટ ગણાતા મતોમાં વિભાજન થતાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ-કોંગ્રેસે કેટલાક સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, કેટલાકને રિપીટ કર્યા છે. તો અમુક બેઠકો પર બન્ને પક્ષોએ નવા ચહેરાઓને ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે 43 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. તો 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. આ તરફ કોંગ્રેસે 9 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ ન આપી અને 50 અન્ય સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી ભાજપે 23 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ નથી આપી અને 30 સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે 6 ધારાસભ્યોને ટિકિટ નથી આપી અને 28 સિટીંગ ધારાસભ્યોને ફરી મેદાને ઉતાર્યા છે. (file photo)