Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાનું રાજીનામું

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે દર વખતની જેમ ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠતી હોય તેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસના વિસાવદરની બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અને હવે ટુંક સમયમાં ભાજપમાં જોડાવવાની અટકળો શરૂ થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે પક્ષપલટાની મૌસમ ખીલી ઊઠતી હોય છે. ચૂંટણી ટાણે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાતા હોય છે. ત્યારે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમની ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ ગઈ છે. વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય  હર્ષદ રીબડિયાએ મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી  રાજીનામું આપ્યુ હતુ. અને વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો

આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય હર્ષદ રીબડિયા પક્ષના સિનિયર ધારાસભ્ય હતા. ટિકિટ બાબતે તેમની કોઇ નારાજગી હતી નહીં, છતાં તેમણે કેમ રાજીનામું આપ્યું તે તો તેઓ જ કહી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી તા. 11મીએ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના હાથે જ હર્ષદ રિબડિયા ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઇ જશે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. એટલું જ નહીં ભાજપમાં જોડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ભાજપ હાઇકમાન્ડે વડાપ્રધાનના આગામી કાર્યક્રમમાં એ ધારાસભ્યોને જોડાવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. વડાપ્રધાનની હાજરીમાં જંગી મેદની એકઠી કરવા માટે જિલ્લા ભાજપના આગેવાનોએ મિટિંગનો દોર શરૂ કર્યો છે અને તાલુકા દીઠ લોકોને લાવવા માટેના ટાર્ગેટ આપવામાં આવ્યા છે.