Site icon Revoi.in

ચૂંટણી ટાણે જ આંદોલનની મોસમ, હવે STના કર્મચારીઓએ ચક્કાજામની ચીમકી આપી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાટનગરમાં આંદોલનની મોસમ ખીલી ઊઠી છે. જેમાં ભારતીય કિસાન સંધ, પૂર્વ સૈનિકો, વિદ્યાસહાયકની ભરતીના ઉમેદવારો, અને રાજ્ય સરકારના કર્મચારીઓ વગેરે પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમના કર્મચારીઓએ પણ લડતનું બ્યુંગલ ફુક્યું છે. એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલને લઇને લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત આગામી તારીખ 22મીએ એસ ટી બસોના પૈડા થંભાવી દેવાની એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ સંયુક્ત ચીમકી ઉચ્ચારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે સરકારી કચેરીઓના વિવિધ કર્મચારીઓના મંડળોના સંયુક્ત સંગઠનોએ માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું હતું. પરંતુ માસ સીએલ કાર્યક્રમના આગલા દિવસે મંત્રીઓની સાથે પરામર્શ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દાને કોરાણે મૂકીને સમાધાન વલણ અપનાવીને સરકારી કચેરીઓના વિવિધ કર્મચારીઓના મંડળોના સંયુક્ત સંગઠનોએ માસ સીએલનો કાર્યક્રમ મોકુફ રાખ્યાની જાહેરાત કરી હતી. જોકે જાહેરાત છતાં અલગ અલગ વિભાગના કર્મચારીઓને માસ સીએલનો કાર્યક્રમ આપ્યો હતો. આથી એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે શનિવારે કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચારનો કાર્યક્રમ અપાયો હતો. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓના વિવિધ મંડળોના સંયુક્ત સંગઠનોએ જે રીતે પાણીમાં બેસી ગયા હતા. તે રીતે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનો પડતર પ્રશ્નોના ઉકેલ વિના જ સરકાર સાથે સમાધાન કરીને પાણીમાં બેસી જશે તો નહી તેવી ચર્ચા કર્મચારીઓમાં ઉઠવા પામી હતી. જોકે તેમાંથી અમુક કર્મચારીઓમાં લડત આંદોલન ચાલુ રહેશે તેવી ચર્ચા જોવા મળતી હતી. જ્યારે અમુક કર્મચારીઓમાં અગાઉની જેમ આ વખતે લડત આંદોલનનું સૂરસૂરીયું થશે તેવી ચર્ચા જોવા મળતી હતી.