Site icon Revoi.in

SIRનો જીન ફરી ધૂણ્યોઃ હવે 16 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે પ્રક્રિયા

The SIR gene has struck again: Now the process will start in 16 states and three union territories

The SIR gene has struck again: Now the process will start in 16 states and three union territories

Social Share

નવી દિલ્હી, 14 મે, 2026: SIRનો જીન ફરીથી ધૂણ્યો છે. વિરોધપક્ષો જે પ્રક્રિયા અંગે સતત વિરોધ અને ટીકા કરતા રહ્યા છે તે મતદાર યાદીની વિશેષ સમીક્ષા હવે 16 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે.

ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે ‘વિશેષ ગહન પુનઃરીક્ષણ’ (Special Intensive Revision-SIR) ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. પંચે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર આ અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. આ પ્રક્રિયા હેઠળ અંદાજે 36.73 કરોડ મતદારોના ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ તબક્કા હેઠળ ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, તેલંગાણા અને પંજાબ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કયાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR થશે?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં ઓડિશા, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. પંચે જણાવ્યું કે આ કાર્યક્રમ જનગણના (Census) હેઠળ ચાલી રહેલા ‘હાઉસ લિસ્ટિંગ’ અભિયાનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે, જેથી બંને કાર્યોમાં તાલમેલ જળવાઈ રહે. પંચે સ્પષ્ટ કર્યું છે કે આ ત્રીજા તબક્કા પછી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સિવાય સમગ્ર દેશમાં વિશેષ ગહન પુનરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ ત્રણેય ક્ષેત્રોમાં જનગણનાના બીજા તબક્કા અને બરફવર્ષાવાળા વિસ્તારોની પરિસ્થિતિને જોતા બાદમાં અલગ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

કાર્યક્રમની વિગતો:
જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, અલગ-અલગ રાજ્યોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા મે થી સપ્ટેમ્બર 2026 વચ્ચે ચાલશે. જેમાં ઘરે-ઘરે ચકાસણી, મતદાન મથકોનું પુનર્ગઠન, ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન, દાવા અને વાંધા લેવાની પ્રક્રિયા તેમજ અંતિમ મતદાર યાદી બહાર પાડવાનો સમાવેશ થાય છે.

સૌથી પહેલા ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં 30 મે થી 28 જૂન સુધી ઘરે-ઘરે ચકાસણી અભિયાન ચાલશે અને 6 સપ્ટેમ્બર 2026 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.

જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, મેઘાલય અને દિલ્હીમાં આ પ્રક્રિયા જૂનના અંતમાં શરૂ થઈને 7 ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ થશે.

Exit mobile version