Site icon Revoi.in

ગુજરાતમાં સીએનજી પંપ સંચાલકોની હડતાળ મોકુફ, સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની આપી ખાતરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્જીનમાં વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોને મુદ્દે આવતીકાલે સીએનજી પંપ બંધ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાળની ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ અંગે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓ અને એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં સરકારે પતડર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. જેથી સીએનજી પંપની હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએનજી પંચના સંચાલકોના આ નિર્ણયથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સીએનજીમાં માર્જીન વધારવાના પ્રશ્ને અને સરકારે 15 પૈસા કમીશન વધારવાની મંજૂરી આપવા છતાં ઓઇલ કંપનીઓ માર્જીન વધારતી ન હતી. જેથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 990 જેટલા સીએનજી પંચના સંચાલકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરાઈ હતી. આવતીકાલથી સીએનજી પંપ બંધ રહેવાના હોવાથી આજે સવારથી જ સીએનજી પંપ ઉપર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. બીજી તરફ સરકારે પ્રજાને હાલાકીના પડે તે માટે પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ, ડિલર એસોસિએશનના આગેવાનો સાથે મીટીંગ બોલાવી હતી. આ બેઠકમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

એસોસિએશનના એક આગેવાને જણાવ્યું હતું કે, સીએનજી પંપ સંચાલકોના પડતર પ્રશ્નોને લઈને સરકાર સાથે મીટીંગ મળી હતી. જેમાં સરકારે પડતર પ્રશ્નોના ઝડપથી નિરાકરણ માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. સરકારે જેમ બને તેમ ઝડપથી પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી છે. જેથી આવતીકાલથી શરૂ થતા અચોક્કસ મુદ્દતની હડતાળને મોકુફ રાખવામાં આવી છે.