Site icon Revoi.in

દિલ્હી પોલીસના સબ ઈન્સપેક્ટરે બતાવી માનવતા, પ્લાઝમા ડોનેટ કરી ગર્ભવતી મહિલાને કરી મદદ

Social Share

દિલ્હી: કોરોનાના કાળમાં તમામ લોકોએ એવા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે જેને જાણ્યા બાદ મનમાં ખુશીનો અને લાગણીનો ભાવ જાગ્યો હોય. આવા કિસ્સાઓમાં એક એવો કિસ્સો વધારે ઉમેરાયો છે જેમાં ગર્ભવતી મહિલાની મદદે પોલીસ કર્મી આવ્યા છે. દિલ્લીમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીએ ગર્ભવતી મહિલાની મદદ માટે પ્લાઝમા ડોનેટ કર્યું છે.

દિલ્લીમાં આ મહિલા 21 અઠવાડિયાના ગર્ભ સાથે ગર્ભવતી હતી અને મહિલા આ સમય દરમિયાન કોરોનાવાયરસથી સંક્રમિત પણ થઈ હતી. આ પછી મહિલા દ્વારા પ્લાઝમાં જરૂરી હોવાનું ટ્વિટ કરવામાં આવ્યું અને ટ્વિટ જોયા બાદ તે મહિલા અને તેનું બાળક સલામત રહે તે માટે આ અધિકારી તે મહિલાને પ્લાઝમા ડોનેટ કરવા પહોંચી ગયા હતા.

મીડિયાના રિપોર્ટ અનુસાર દિલ્હી પોલીસે તે પરિવારનો સંપર્ક કર્યો અને તેમની જરૂરિયાત વિશે પૂછપરછ કરી. 27 વર્ષીય ગર્ભવતી મહિલાને પ્લાઝમાની આવશ્યકતા હોવાની જાણ થતા, જીવન રક્ષક ટીમે સબ ઈનસ્પેક્ટર આકાશદીપનો સંપર્ક કર્યો હતો. તેઓ નોર્થ દિલ્હીમાં રૂપનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

દિલ્હી પોલીસે કોરોનાવાયરસની બીજી લહેરમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે અનેક પહેલની શરૂઆત કરી છે. કોરોનાવાયરસની દિલ્હીમાં સૌથી વધુ અસર જોવા મળી છે.