Site icon Revoi.in

કોરોના મહામારીમાં મીડિયાને લઈને સુપ્રીમનો મહત્વનો ચુકાદો, જાણો વિગત

Social Share

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. સુપ્રીમે કહ્યું કે હાઇકોર્ટની સુનાવણી દરમિયાન થયેલી ટીપ્પણીઓનું રિપોર્ટિંગ કરતા મીડિયાને ના રોકી શકાય.

અગાઉ કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ચૂંટણીના મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓની સામે હત્યાનો કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણીને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે લોકશાહીમાં મીડિયા મહત્વપૂર્ણ અને શક્તિશાળી પ્રહરી છે અને તેને હાઈકોર્ટમાં થયેલી ચર્ચાઓનું રિપોર્ટીંગ કરતા ન રોકી શકાય.

સુપ્રીમની ખંડપીઠે ચૂંટણી પંચને જણાવ્યું કે મીડિયા શક્તિશાળી છે અને કોર્ટમાં જે બને છે તેની જાણ લોકોને કરે છે. ખંડપીઠે કહ્યું કે ફક્ત અમારા ચુકાદા જ નહીં પરંતુ સવાલ ઉઠાવવા, જવાબ આપવા તથા સંવાદ સાધવો એ નાગરિકોની ચિંતાનો વિષય છે. જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે હાઈકોર્ટના જજને બિનપરંપરાગત સવાલો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે મીડિયાને કોર્ટનું રિપોર્ટીંગ કરતા જરા પણ રોકી ન શકાય. કોર્ટમાં જે કંઈ પણ થાય છે તેની લોકોને જાણ થવી જોઈએ.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચે ઠપકો આપ્યો હતો કે આવી વિકરાળ કોરોના મહામારીની વચ્ચે પણ ચૂંટણી પંચ મોટી મોટી રેલીઓની મંજૂરી આપે છે. ચૂંટણી પંચના અધિકારીઓની સામે તો હત્યાનો કેસ દાખલ થવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણી ચૂંટણી પંચે ગળે ન ઉતરી. અને તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ મુદ્દે ન્યાય માંગ્યો. ચૂંટણી પંચે મીડિયાને ટીપ્પણીઓનું રિપોર્ટિંગ કરતા અટકાવવાની પણ માંગ કરી હતી.