Site icon Revoi.in

જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકો 3જી સપ્ટેમ્બરથી આંદોલન કરશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓ જુની પેન્શન યોજના શરૂ કરવા તેમજ વિવિધ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં અનેકવાર રજુઆતો કરી ચૂક્યા છે. છતાં પ્રશ્નો નહીં ઉકેલાતા કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સૌ પ્રથમ રાજ્યભરના શિક્ષકો આંદોલનનું રણશિંગુ ફુકવાનું નક્કી કર્યું છે. અને આગામી 3જી સપ્ટેમ્બરથી આંદોલનના શ્રીગણેશ કરશે,

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે, જેમાં આગામી 3જી સપ્ટેમ્બરથી કલેક્ટરને આવેદન આપીને લડતની શરૂઆત કરાશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ સુધીના આંદોલનની રણનીતિ શિક્ષકોએ જાહેર કરી છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લડત કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી જેવા મુદ્દાઓ પર આંદોલન શરૂ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકોના પડતર પ્રશ્નનોને લઈ 3જી સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લા, મહાનગર કક્ષાએ રેલી તથા કલેક્ટરને આવેદનપત્ર અપાશે,  11 સપ્ટેમ્બરના રોજ ધરણા,પ્રદર્શન,  17 સપ્ટેમ્બરએ રાજ્યના તમામ શિક્ષક – કર્મચારીઓની માસ સી.એલ, 22 સપ્ટેમ્બરે રાજ્યના તમામ શિક્ષક-કર્મચારીઓ દ્વારા પેનડાઉન અને 30 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગાઉ બે તબક્કામાં આંદોલન થઈ ચૂક્યા છે, જે સફળ રહ્યા હતા. પ્રથમ 8 એપ્રિલ 2022ના રોજ 55 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે રેલી ધરણા તથા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 6 મે 2022ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં સમગ્ર રાજ્યના ૫50 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓએ સક્રિયતાથી જોડાઈ એક દિવસના ધરણા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી.