Site icon Revoi.in

અમદાવાદના નાના ચિલાડો ગામના પ્રાથમિક પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક નજીક છે, ત્યારે લોકો પોતાના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા માટે સત્તાધિશોનું નાક દબાવતા હોય છે. ચૂંટણી એક એવો મોકો છે. કે, કોઈપણ રાજકીય નેતાઓને પણ મતદારોના શરણે જવાની ફરજ પડતી હોય છે. અમદાવાદ શહેરના નાના ચિલોડાના ગ્રામજનોએ પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવેલા નાનાચિલોડા ગામના લોકોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈને ગામમાં બેનરો લગાવી વિરોધપ્રદર્શન કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા છે. ત્યાર બાદ આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. ગામની સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં છે. એક જ વર્ગમાં વધારે વિદ્યાર્થીઓને બેસીને ભણાવવા પડે છે પાણી, લાઈટ અને ગટરની સુવિધા નથી, જેને કારણે હવે તમામ ગ્રામજનોએ ભેગાં મળીને ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં નાના ચિલોડા વિસ્તારનો બે વર્ષ પહેલા જ સમાવેશ કરવામાં આવ્યો હતો. નાના ચિલોડા ગામના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ગ્રામજનોએ અગાઉ અનેકવાર મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોને રજુઆત કરવા છતાં પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. ગામમાં પાણી,રોડ-રસ્તા, ગટર અને પ્રાથમિક શાળાનું જર્જરિત બનેલા મકાનના પ્રશ્ન ઉકેલવાની મુખ્ય માગણી છે. આ વિસ્તારમાં ભાજપના ત્રણ કોર્પોરેટર ચૂંટાયેલા છે. પણ ત્રણેય કોર્પોરેટરો પણ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ઉદાસિન રહ્યા છે. તેથી ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં આવેલી ચિલોડા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. આ સ્કૂલને બનાવવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર કોન્ટ્રેક્ટરને પૈસા વધારે લાગતાં તેણે ટેન્ડર કેન્સલ કરાવી દીધું હતું, જેને કારણે કોઈપણ પ્રકારનું કામ થઈ શક્યું નહોતું. આ વાતને બે વર્ષ વીતી ગયાં છતાં પણ હજી સુધી સ્કૂલ શરૂ થઈ શકી નથી. અનેક વખત રજૂઆતો છતાં પણ સ્કૂલ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. હાલ સ્કૂલની કન્યા શાળામાં બાળકોને ભણાવવાની શરૂઆત કરાવવામાં આવી છે, પરંતુ આ કન્યાશાળાનું મકાન પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એક જ ક્લાસરૂમમાં ત્રણ-ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવામાં આવે છે. સ્કૂલમાં કલાસરૂમ પણ અપૂરતા છે. એક કલાસરૂમમાં 65થી 70 બાળકો બેસાડવા પડે છે. પાણી, ગટર અને લાઈટની પણ સુવિધાઓ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ નાનાચિલોડા વિસ્તારને બે વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યો છે, જેમાં સરદારનગર વોર્ડ અને નરોડા વિધાનસભામાં નાનાચિલોડા વિસ્તારનો સમાવેશ થાય છે. સરદાર નગર વોર્ડમાં આ નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.