Site icon Revoi.in

પરમાણુ હથિયારો પાછળ વિશ્વમાં આંધળી દોટ: એક જ વર્ષમાં 119 અબજ ડોલરનો ધુમાડો

Social Share

વોશિગ્ટન, 9 જૂન 2026: વિશ્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારત, ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા શક્તિશાળી દેશો પરમાણુ હથિયારો પાછળ અબજો ડોલરનો આંધળો ખર્ચ કરી રહ્યા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક બિન-લાભકારી સંસ્થાના તાજેતરના અહેવાલ અનુસાર, વર્તમાન સમયમાં દુનિયાના માત્ર નવ દેશો પાસે જ પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે. આ દેશોએ વર્ષ ૨૦૨૫ દરમિયાન પોતાના પરમાણુ હથિયારોની જાળવણી, આધુનિકીકરણ અને નવા સંશોધનો પાછળ કુલ 119 અબજ ડોલરનો અધધ ખર્ચ કર્યો છે. આ ગાળા દરમિયાન ભારત અને ચીન જેવા એશિયાઈ દેશોએ માત્ર ખર્ચ જ નથી વધાર્યો, પરંતુ નવા પરમાણુ હથિયારો પણ વિકસિત કર્યા છે. વિતેલા એક વર્ષમાં ચીનના પરમાણુ શસ્ત્રાગારમાં 20 અને ભારતના શસ્ત્રાગારમાં 10 નવા પરમાણુ હથિયારોનો ઉમેરો થયો છે.

પરમાણુ હથિયારોને નાબૂદ કરવા માટે કાર્યરત સંસ્થા ‘ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ’ ના આંકડા દર્શાવે છે કે, પરમાણુ બજેટ મામલે અમેરિકા 69.2 અબજ ડોલરના તોતિંગ ખર્ચ સાથે વિશ્વમાં મોખરે છે. જ્યારે ચીન 13.5અબજ ડોલર, ભારત 2.8 અબજ ડોલર અને પાકિસ્તાન 1.5 અબજ ડોલરનો ખર્ચ પરમાણુ ક્ષમતા વધારવા માટે કરી રહ્યું છે. બીજી તરફ, આર્થિક સંકટોનો સામનો કરી રહેલું ઉત્તર કોરિયા પણ પોતાના પરમાણુ હથિયારોની દેખરેખ પાછળ ૬૫૬ મિલિયન ડોલર ઉડાવી રહ્યું છે.

આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે અમેરિકાએ પોતાના પરમાણુ બજેટમાં રેકોર્ડ 22 ટકાનો વધારો કર્યો છે. બ્રિટને પણ 17 ટકાના વધારા સાથે વર્ષ 2025માં 1.6 અબજ ડોલર ખર્ચ્યા છે, જ્યારે ચીને તેના બજેટમાં 7 ટકા અને રશિયાએ 6 ટકાનો વધારો કરીને 9 અબજ ડોલર ખર્ચ કર્યા છે. દક્ષિણ એશિયાના ક્ષેત્રીય સંતુલનની વાત કરીએ તો ભારતે પોતાના પરમાણુ ખર્ચમાં 12 ટકા અને પાકિસ્તાને 18 ટકાનો મોટો વધારો કર્યો છે, જ્યારે ફ્રાન્સે 8 ટકા અને ઇઝરાયેલે 2 ટકા બજેટ વધાર્યું છે.

એક તરફ દુનિયાના તાકતવર દેશો વિનાશક હથિયારો પાછળ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શાંતિના પક્ષધર એવા વિશ્વના 99 દેશોએ ‘પરમાણુ હથિયારોના નિષેધની સંધિ’ પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોનું સ્પષ્ટપણે માનવું છે કે માનવજાતના અસ્તિત્વને બચાવવા માટે સમગ્ર વિશ્વમાંથી પરમાણુ ખતરાનો કાયમી અંત લાવવો અનિવાર્ય છે. જોકે, વાસ્તવિક સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. વિશ્વભરમાં સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ના જાન્યુઆરી 2026ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અત્યારે સમગ્ર દુનિયામાં કુલ 12187 પરમાણુ હથિયારો મોજૂદ છે. આ કુલ જથ્થામાંથી આશરે 9745 પરમાણુ હથિયારો સંભવિત ઉપયોગ માટે સૈન્ય ભંડારોમાં સજ્જ રાખવામાં આવ્યા છે, જેમાંથી 4012 હથિયારો તો મિસાઇલો અને ફાઇટર પ્લેન સાથે ગમે ત્યારે દાગવા માટે બિલકુલ તૈનાત અવસ્થામાં છે.

વૈશ્વિક સ્તરે કયા દેશ પાસે કેટલો પરમાણુ દારૂગોળો છે તેનું વિશ્લેષણ કરતાં સિપ્રીએ જણાવ્યું છે કે, રશિયા હાલમાં 5500 પરમાણુ હથિયારો સાથે દુનિયાનું સૌથી મોટું પરમાણુ મહાસત્તા છે. રશિયા પછી બીજા ક્રમે અમેરિકા આવે છે જેની પાસે આશરે 5300 પરમાણુ હથિયારોનો કાફલો છે. ચીન પણ ખૂબ ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે અને તેની પાસે હાલમાં 620 પરમાણુ હથિયારો હોવાની પ્રબળ આશંકા છે. દક્ષિણ એશિયાના બે પરંપરાગત હરીફ દેશોની સરખામણી કરવામાં આવે તો, ભારતના પરમાણુ હથિયારોની સંખ્યા વધીને હવે 190 સુધી પહોંચી ગઈ છે, જે પાકિસ્તાનના 170 પરમાણુ હથિયારોના ભંડાર કરતાં વધારે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક સ્તરે શાંતિના દાવાઓ વચ્ચે અંદરખાને ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનક તૈયારીઓ ચાલી રહી છે.

Exit mobile version