Site icon Revoi.in

રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે

Social Share

રાજકોટઃ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે  તમામ સમાજ અને જ્ઞાતિના યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાશે. તમામ સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખડાવાશે. ગુજરાતના રાજકારણમાં અવારનવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહેતા હોય છે. એમાંના માત્ર પાટીદાર સમાજ નહિ, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પાટીદાર સમાજના અગ્રીમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 4 દિવસ પહેલા જ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણની તાલીમ આપવાની જાહેરાત છે. જેને પગલે આજે સંસ્થા દ્વારા રજિસ્ટ્રેશન નંબર 70699 29297 જાહેર કરીને યુવાનોને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ તાલીમ વર્ગોને યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાના નેજા હેઠળ ચલાવવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો. વર્ષોથી ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા મતદારો પાટીદાર છે તેમજ વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. બાબુભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને હાલ ભૂપેન્દ્ર પટેલ, એમ રાજ્યને કુલ પાંચ પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતમાં હાલ 44 ધારાસભ્ય, તેમજ 6 લોકસભા અને 3 રાજ્યસભા સાંસદ પાટીદાર છે. તેવામાં સરદારધામ દ્વારા શરૂ કરવામાં આવનારા આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.