Site icon Revoi.in

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના સુરક્ષા કર્મચારીની બે રિવોલ્વરની ચોરી

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા જવાનની બે રિવોલ્વર સાથેની બેગની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા જવાનની બેગની ટ્રેનમાંથી ચોરી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી તાજેતરમાં આસામમાં કામાખ્યા મંદિરમાં ગયા હતા અને ત્યાથી તેઓ પાછા ફર્યા હતા.આ દરમિયાન તેમના સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ આસામથી ટ્રેનમાં પાછા ફરી રહ્યા હતા. દરમિયાન તેમની બેગ ચોરાઈ ગઈ હતી. આ બેગમાં બે રિવોલ્વર અને મોબાઈલ તથા પૈસા પણ હતા. કૂચબિહાર સ્ટેશન પર સુરક્ષા કર્મીઓ ઉતર્યા ત્યારે તેમને ખબર પડી હતી કે, બેગ ગાયબ છે. મમતા બેનરજી ફ્લાઈટમાં ગૌહાટી ગયા હતા. તેમની સાથે માત્ર બે સુરક્ષા કર્મીઓ જ ફ્લાઈટમાં જઈ શકે તેમ હોવાથી બાકીના 12 સુરક્ષા કર્મીઓ ટ્રેનમાં આસામ પહોંચ્યા હતા અને મમતા બેનરજી જ્યારે કોલકાતા પાછા ફર્યા ત્યારે આ સુરક્ષા કર્મચારીઓ ટ્રેનમાં પાછા ફરી રહ્યા હતા. કૂચબિહાર સ્ટેશન પર તેમને ખબર પડી હતી કે એક બેગ ગાયબ છે. મામલાને લઈને પોલીસ અધિકારીઓ મોડુ ખોલવા માટે તૈયાર નથી. હવે અલગ અલગ સ્ટેશનો પર તપાસ કરવામાં આવી રહી છે.