Site icon Revoi.in

ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સામાન્ય માવઠું પડવાની શક્યતા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.  લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ચાર  દિવસ  વાતાવરણ સુકું રહેશે. ત્યારબાદ તા. 25 અને 26 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયા કમોસમી વરસાદના ઝાંપટાં પડવાની શક્યતા છે.

રાજ્યમાં હાલ ઠંડીનો રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. તા. 22મી નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જોવા મળશે. જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના કોઈપણ જિલ્લામાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આ વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે. 25 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. તેમજ 26 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ બંને દિવસે ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  લોઅર લેવલમાં બંગાળની ખાડી તરફથી આવતા પવનોની ગતિ વધુ હોવાને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ અપર લેવલના પવનો દક્ષિણ દિશા તરફથી આવે છે અને હિંદ મહાસાગરનો ભેજ લઇ રહ્યા છે. તેને કારણે ટ્રફ જેવું સર્જાઈ રહ્યું છે. આ કારણથી 25 અને 26 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

રાજ્યના હવામાન અંગેની આગાહી કરતી એક ખાનગી સંસ્થાના કહેવા મુજબ ગુજરાતમાં 25મી નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનમાં ઘટાડો થશે. તેથી નવેમ્બરના અંતથી  ઠંડીનું પ્રમાણ વધશે. હાલમાં નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન રેકોર્ડ થયું છે જે 13.4 ડિગ્રી નોંધાયું હતું. હવે  27 નવેમ્બર બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને રાત્રિ દરમિયાન આ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સોમવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને આસપાસ નોંધાયું હતું.