ઉનાળાની ઋતુની શરૂઆત થતા જ તેની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. કાળઝાળ ગરમી, તેજ તડકો, પરસેવો અને વધતું જતું તાપમાન ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ નોતરે છે. આ સિઝનમાં જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ટેનિંગ, પિમ્પલ્સ, સનબર્ન અને ડ્રાયનેસ જેવી મુશ્કેલીઓ સામાન્ય બની જાય છે. ઘણા લોકો મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ રોજિંદી કેટલીક સામાન્ય ભૂલોને કારણે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.
ઉનાળામાં ત્વચાને વધુ સુરક્ષા અને ભેજની જરૂર હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. વધુમાં, વધુ પડતા પરસેવાને કારણે ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે, જેનાથી ખીલ અને બળતરાની સમસ્યા વધે છે. ચાલો જાણીએ ઉનાળામાં થતી એ પાંચ મોટી ભૂલો વિશે જે તમારે ટાળવી જોઈએ.
-
સનસ્ક્રીન લગાવવામાં આળસ
ઉનાળાની સૌથી મોટી ભૂલ સનસ્ક્રીન ન લગાવવી તે છે. તેજ તડકો ત્વચાને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. ઘણા લોકો માને છે કે માત્ર થોડીવાર માટે બહાર નીકળતી વખતે સનસ્ક્રીનની જરૂર નથી, પરંતુ આ જ ભૂલ ટેનિંગ અને અકાળે કરચલીઓનું કારણ બને છે. ઘરની બહાર નીકળવાના 20 મિનિટ પહેલાં સારી ગુણવત્તાનું સનસ્ક્રીન અવશ્ય લગાવો.
-
પાણી પીવું
ગરમીમાં પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે. જો તમે પૂરતું પાણી ન પીવો તો ત્વચા ડિહાઈડ્રેટ થઈ જાય છે અને તે નિસ્તેજ દેખાય છે. ત્વચામાં ગ્લો જાળવી રાખવા માટે દિવસમાં 8-10 ગ્લાસ પાણી, નાળિયેર પાણી અને તાજા ફળોના રસનું સેવન કરવું જોઈએ.
-
વારંવાર ચહેરો ધોવો
પરસેવા અને ચીકાશથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો વારંવાર ફેસવોશથી ચહેરો ધોવે છે. આ આદત ત્વચાની કુદરતી નમી છીનવી લે છે, જેનાથી ત્વચા વધુ સંવેદનશીલ બને છે. દિવસમાં માત્ર 2 થી 3 વખત જ માઈલ્ડ ફેસવોશનો ઉપયોગ કરવો હિતાવહ છે.
-
હેવી અને ઓઈલી ક્રીમનો ઉપયોગ
શિયાળામાં વપરાતી હેવી ક્રીમ ઉનાળામાં વાપરવાથી છિદ્રો બંધ થઈ શકે છે, જે ખીલ માટે જવાબદાર છે. ઉનાળામાં હળવા, વોટર-બેઝ્ડ અને નોન-ઓઈલી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને ચીકણી કર્યા વગર હાઈડ્રેટ રાખે.
-
આહારમાં બેદરકારી
વધુ પડતું તળેલું અને જંક ફૂડ ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જેની અસર ચહેરા પર ખીલના રૂપમાં જોવા મળે છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં લીલા શાકભાજી, સલાડ અને વિટામિન-સી યુક્ત ફળોનો સમાવેશ કરવો જોઈએ.

