Site icon Revoi.in

અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

Social Share

મુંબઈ, 28 જાન્યુઆરી 2026 : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આંચકાજનક બાબત એ છે કે છેલ્લા સાત મહિનામાં દેશના કોઈ મોટા રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલા જૂન 2025માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. ભારતીય રાજનીતિના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 7 મોટા નેતાઓએ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે, જેમાંથી 3 તો મુખ્યમંત્રી પદ પર કાર્યરત હતા.

બળવંતરાય મહેતા (1965): ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિમાન દુર્ઘટનાનો શિકાર બનનાર પ્રથમ મોટા રાજનેતા હતા. 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન તેઓ કચ્છ સરહદે નિરીક્ષણ માટે જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાને તેમના વિમાનને તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં મહેતા, તેમના પત્ની અને સ્ટાફના સભ્યોના મોત થયા હતા.

સંજય ગાંધી (1980): પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર અને કોંગ્રેસના નેતા સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. તેમને વિમાન ઉડાવવાનો શોખ હતો. સવારે એક કરતબ બતાવતી વખતે તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું.

માધવરાવ સિંધિયા (2001): કોંગ્રેસના કદાવર નેતા માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મેઈનપુરી પાસે પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ કાનપુરની એક રેલીમાં સંબોધન કરવા જઈ રહ્યા હતા.

જી.એમ.સી. બાલયોગી (2002): લોકસભાના તત્કાલીન અધ્યક્ષ જી.એમ.સી. બાલયોગીનું 2002માં આંધ્રપ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. લેન્ડિંગ વખતે ટેકનિકલ ખામી સર્જાતા આ અકસ્માત થયો હતો.

વાય. એસ. રાજશેખર રેડ્ડી (2009): આંધ્રપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી વાય.એસ.આર. રેડ્ડીનું સપ્ટેમ્બર 2009માં નલ્લામાલાના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું. આ અકસ્માતે આખા દેશને હચમચાવી દીધો હતો.

દોરજી ખાંડુ (2011): અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું મે 2011માં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમનું વિમાન તવાંગથી ઈટાનગર જતી વખતે લાપતા થયા બાદ ક્રેશ થયેલું મળી આવ્યું હતું.

વિજય રૂપાણી (જૂન 2025): ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જવા માટે રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ કમનસીબ ઘટના બની હતી.

અજિત પવાર: અજિત પવારનું નિધન મહારાષ્ટ્ર માટે એક યુગનો અંત છે. તેમણે તેમના કાકા શરદ પવારના માર્ગદર્શન હેઠળ રાજકારણના પાઠ શીખ્યા હતા. 1982માં સહકારી ખાંડ ફેક્ટરીથી શરૂ થયેલી તેમની સફર તેમને મહારાષ્ટ્રના ‘દાદા’ (મોટા ભાઈ) તરીકે સ્થાપિત કરી ગઈ. તેઓ 7 વખત ધારાસભ્ય અને રેકોર્ડબ્રેક 6 વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા.

આ પણ વાંચોઃ અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

Exit mobile version