Site icon Revoi.in

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ ડ્રો, અંતિમ ટેસ્ટ 15મી જાન્યુઆરીએ રમાશે

Social Share

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. પૂજારા અને પંત આઉટ થયા બાદ ભારતને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ ભારતીય બેસ્ટમેન હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. બંન્નેએ 43 ઓવર બેટિંગ કરી મેચ ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી. હવે અંતિમ ટેસ્ટ મેચ આગામી તા. 15મી જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો જતા સિરીઝ 1-1ની બરોબરી પર છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા. 407 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્માએ સારી શરૂઆત આપી હતી. તે પછી રિષભ પંત અને પૂજારાએ જીતની આશા જગાવી હતી. આ બંને ખેલાડીઓએ 148 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત માત્ર 3 રનથી પોતાની સદી ચુકી ગયો હતો. જ્યારે પૂજારા 77 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિન અને હનુમા વિહારીએ મળીને મેચ ડ્રો કરાવી હતી. હનુમા વિહારીએ 161 બોલનો સામનો કરતા 23 અને અશ્વિને 128 બોલનો સામનો કરતા 39 રન બનાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.