Site icon Revoi.in

થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની વસતિ ગણતરી માટે 32 પક્ષીવિદો કામે લાગ્યા,

Social Share

અમદાવાદઃ કડી તાલુકામાં આવેલુ થોળ અભ્યારણ્ય પક્ષીવિદો માટે ખૂબ જ જાણીતુ છે. અભ્યારણ્યમાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. આ વર્ષે આ થોળ પક્ષી અભ્યારણ્યમાં વિદેશથી આવતા પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી રહી છે. પક્ષી ગણતરી માટે અનેક પક્ષીવિદોએ થોળ અભ્યારણ્યમાં મુકામ કર્યો છે.

શિયાળાની ઋતુમાં થોળ અભ્યારણમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આવ્યા છે. ખાસ થોળ અભ્યારણ્યમાં દર બે વર્ષે પક્ષીઓની ગણતરી થાય છે, ત્યારે આ વર્ષે આ વિદેશી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ સુધી ચાલનારી વિદેશી પક્ષીઓની ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદો ગોઠવાયા છે. આ પક્ષીવિદો અલગ-અલગ પક્ષીઓની ગણતરી કરી રહ્યા છે.

ગુજરાતમાં નળ સરોવર, થોળ, જામનગર, કચ્છ અને પોરબંદર પંથકમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતો હોય છે. છીછરા પાણીમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના છબછબીયાથી અનેરો નજારો સર્જાતો હોય છે. ડીસેમ્બરથી માર્ચ મહિના સુધી પક્ષીઓ થોળ અને નળસરોવરમાં જોવા મળે છે. આ પક્ષીઓ રશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ જેવા દેશોમાંથી યાયાવર અને પુચપક્ષી આવતા હોય છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાંથી આ વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય છે. 15 જાતના અલગ-અલગ બતકો પણ અહીં જોવા મળે છે. થોળમાં ગ્રેટ વ્હાઈટ પેલિકન્સ, ફ્લેમિંગો, વોટરફાઉલ,મેલડર્સ, સારસ ક્રેન્સ, ફ્લિકેચર, અઉરશિયા કર્લૂજ અને અનેક દુર્લભ પક્ષીઓ જોવા મળતા હોય છે. જેેને જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે.

થોળ અભ્યારણ્ય અમદાવાદની નજીક આવેલુ હોવાથી મોટી સંખ્યામાં અમદાવાદના લોકો પણ આ અભ્યારણ્યની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને રજાના દિવસો એટલે શનિવાર કે રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જો કે થોળ પક્ષી અભ્યારણ્યમાં 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.