Site icon Revoi.in

મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ત્રણ આરોપી પકડાયાં

Social Share

અમદાવાદ :  દૂકાનો કે ઘરમાં નહીં પણ માત્ર મંદિરોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.  ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત હોવાનું જણાવ્યું હતું. જ્યારે આરોપી સુરેશ સોની અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહે છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણે આરોપીઓ આઇ  ટ્વેન્ટી કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે આઇ ટ્વેન્ટી કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં સામે આવ્યું  છે. કે, આરોપીઓ પહેલા મંદિરમાં દર્શન કરવા જતા અને તે બહાને મંદિરની રેકી કરતા હતા. જે મંદિરમાં અને તેની આસપાસ સીસીટીવી ના હોય તેવા મંદિરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. ત્રણે આરોપીઓએ રાજસ્થાનનાં સમેરપુર વિસ્તારમાં મંદિરનાં પૂજારીની હત્યા કરી ભાગી ગયા હતા. ત્યાર બાદ રાજસ્થાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવામાં કરેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ કયા અને કોને વેચ્યો છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસનો દાવો છે કે, ભારતના અન્ય રાજ્યોમાં પણ આ ગેંગે ચોરી કરી છે. ત્રણેય આરોપીઓના રિમાન્ડ બાદ વધુ માહિતી મળશે.