Site icon Revoi.in

સુરતના કામરેજમાં સાડાત્રણ ઈંચ, 34 તાલુકામાં ભારેથી હળવા ઝાપટાં, કચ્છમાં પણ મેઘાનું આગમન

Social Share

અમદાવાદઃ  અરબી સમુદ્ર પર સર્જાયેલા હળવા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. બુધવારે 34થી વધુ તાલુકામાં સાડા ત્રણ ઈંચથી લઈને હળવા ઝાપટાં પડ્યા હતા. જેમાં સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, તેમજ ધરમપુર, ભૂજ, પલસાણા ઉંમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના વાવડ મળ્યા છે.

સુરતના કામરેજમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. 4થી 6 વચ્ચે બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવનના કારણે ઘણા ઘરના પતરાં પણ ઉડી ગયા હતા. સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયેલો છે, ત્યારે કચ્છના રાજનગર ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારની અકળાવનારી બપોર બાદ ભારે ગાજ-વીજ અને વેગીલા વાયરા સાથે વરસાદની પધરામણી થઇ હતી.

ભુજમાં સાંજના છ વાગ્યા બાદ વરસાદ ઘેરાયો હતો અને થોડીવારમાં વરસાદનું ભારે ઝાપટું વરસી પડતાં શહેરમાં કાદવ-કીચડની સમસ્યા સર્જાઈ છે અને સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા. આ વર્ષના ચોમાસાંના પ્રારંભે કચ્છના રાપર પંથકમાં નોંધપાત્ર વરસાદ થયો છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી હળવા ઝાપટાં સિવાય મેઘ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે લખતર તાલુકામાં મંગળવારે ધૂળની ડમરી સાથે વાવાઝોડાની કફોડી સ્થિતિ સર્જાઈ હતી.