Site icon Revoi.in

કેશોદ નજીક કંકાણા ગામે ડૂબી જતા બે પિતરાઇ ભાઇના અને પાળિયાદમાં કિશોરનું મોત

Social Share

જુનાગઢઃ શહેર અને જિલ્લામાં ઘોધમાર વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જિલ્લાના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં પાણીના નાળામાં લપસી જતા બે પિતરાઇ ભાઇનાં મોત થયા હતા. દરમિયાન બોટાદમાં પાળીયાદ ગામે ભૂપત તળશી મેર નામનો 14 વર્ષીય કિશોરનું ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ

સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં વાડી વિસ્તારની બાજુમાંથી પસાર થતાં પાણીના નાળામાં ભારે વરસાદને કારણે માટી ખસી જતાં એક યુવક લપસી ગયો હતો. ફસાયેલાં યુવકને તેનો પિતરાઈ ભાઈ બચાવવા જતાં કંકાણા ગામનાં પિતરાઈ ભાઈઓ સુરેશ કોડિયાતર અને પૂંજાભાઈ કોડિયાતરનું પાણીમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન ત્રીજા ભાઈએ પરિવારજનોને જાણ કરી ઘટના સ્થળે બોલાવી લીધાં હતાં અને પછી બંને પિતરાઈ ભાઈને નાળામાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડૉક્ટરે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતાં. દરમિયાન બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ભૂપત તળશી મેર નામનો 14 વર્ષીય કિશોર ગુમ થયો હતો. આ પછી તેના પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પણ તે મળ્યો નહોતો. આ પછી પાળીયાદના તળાવ પાસે તેના ચંપલ મળી આવતા તે તળાવમાં ડૂબી ગયાની શંકા વ્યક્ત કરાઈ હતી. ફાયર વિભાગને જાણ કરાતા ટીમે તળાવમાં કિશોરની શોખખોળ કરતાં તેનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે. કે સારા વરસાદને કારણે રાજ્યના તમામ તળાવો, નદીઓ, ડેમોમાં પાણી ભરાયેલા છે. ત્યારે નહાવા જતાં ડુબી જવાના બનાવો વધશે. એટલે લોકોને સાવચેત રહેવાની તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે.