Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ચેતન રાવલ સહિત ત્રણ પૂર્વ કોર્પોરેટરના કોંગ્રેસમાંથી રાજીનામાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના નારાજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે. અમદાવાદના શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ તથા ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી અગાઉ જ ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના હોદેદારો એક બાદ એક રાજીનામું આપી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત કોંગ્રેસના 3 પૂર્વ કોર્પોરેટરે પણ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના અમદાવાદનાં પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલે રાજીનામાનો પત્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આપ્યો છે. આ ઉપરાંત અન્ય ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ પણ ચેતન રાવલની સાથે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. ઉદયકુમાર રોય, મુફીઝહૂદીન ચીસ્તી અને ગોવિંદ પરમારે રાજીનામાં આપ્યું છે. ચેતન રાવલ અગાઉ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. જોકે, રાજીનામું આપવા પાછળનું કોઈ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ચેતન રાવલે રાજીનામાંના પત્રમાં પણ કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, ચેતન રાવલ છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસમાં સક્રિય પણ નહોતા. તેમને કોઈ હોદ્દો પણ આપવામાં આવ્યો નહતો. રાજીનામું આપીને ચેતન રાવલે ફોન પણ બંધ કરી દીધો છે જેથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ચૂંટણી અગાઉ જ કોંગ્રેસમાં એક બાદ એક અનેક આગેવાનોના રાજીનામા પડી રહ્યા છે. જેને લઈને પક્ષમાં ચિંતા પણ છે. જોકે ચેતન રાવલને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. ચેતન રાવલ ભાજપમાં જોડાય એવું હાલના તબક્કે લાગતું નથી.