Site icon Revoi.in

દહેગામના સોલંકીપુરામાં રિક્ષા ઉપર પીપળાનું ઝાડ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા યુવતી સહિત ત્રણનાં મોત

Social Share

દહેગામઃ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સોલંકીપુરા ગામ નજીક રિક્ષા પર ઝાડ તૂટી પડતા  રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના સોલંકીપુરા ગામ નજીક રોડ સાઈડ પરનું એક પીપળાનું વૃક્ષ રિક્ષા પર તૂટી પડતા રિક્ષામાં સવાર એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયાં હતા. દુર્ઘટના બાદ આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એક સાથે ત્રણ લોકોના મોત થતાં આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. દુર્ઘટનામાં ત્રણ ઘાયલ મુસાફરોને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રિક્ષામાં બેસીને મુસાફરો ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા.ત્યારે સોલંકીપુરા ગામ નજીક આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર છ પૈકી ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જેમાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકોમાં દેવીપૂજક હીનાબેન(ઉ.વ.18, રહે. મગોડી), બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (ઉ.વ.65, રહે.મગોડી) અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર, પ્રાંતિજ)નો સમાવેશ થાય છે. બનાવ બાદ મગોડી અને વાઘપુર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.