Site icon Revoi.in

M P એ પાવર હાઉસનું ડિસ્ચાર્જ પાણી છોડતા ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

Social Share

કેવડીયાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાના-માટાં શહેરોમાં નર્મદાના પાણીથી ડેમો ભરવાની પણ માગ ઊઠી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ડેમોમાં પાવર જનરેટરો શરૂ કરાતા પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ થઈને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. તેના લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ  ભર ઉનાળે સરદાર સરોવર- નર્મદા ડેમની સપાટી વધીને 120 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી વધી છે, ઉપરવાસમાંથી 22386 કયુસેક પાણીની આવક થઈ છે. 2 વર્ષ બાદ પ્રથમ વાર ડેમની સપાટી 120 મીટરે પહોંચી છે, ડેમમાં હાલ 1221.62 મિલિયન કયુબીક મીટર જીવંત પાણીનો જથ્થો છે. હાલ આકરા ઉનાળા વચ્ચે વીજ અને પાણીની ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ ભારે માંગ છે. મધ્ય પ્રદેશની વીજળીની જરૂરિયાત ગુજરાત માટે નર્મદા ડેમમાં નવા નીરની આવક વધારવામાં કારગત નીવડી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા 6 દિવસમાં જ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકના પગલે 2 મીટર વધીને 120 મીટરે પહોંચી ગઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરદાર સરોવરમાં હાલ જીવંત પાણીનો જથ્થો 1221.62 મીલીયન કયુબીક મીટર છે. જે ગત વર્ષની સરખામણીએ 19 ટકા ઓછો છે પણ છેલ્લા 10 વર્ષથી નર્મદા ડેમની સરેરાશ કરતા 2 ટકા વધારે હોવાનું સેન્ટ્રલ વોટર કમીશનના બે દિવસ પહેલાના જ વોટર બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં હાલ ઉપરવાસમાં આવેલા નર્મદા નદી પરના ડેમ પાવર હાઉસ ધમધમતા તેમાંથી ડિસ્ચાર્જ થઈ પાણી નર્મદા ડેમમાં ઠલવાઈ રહ્યું છે, જેથી 118 મીટર રહેલી ડેમની સપાટી હાલ 120 મીટરે સ્પર્શી છે. હાલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમથી રાજયમાં ખેતી, ઉદ્યોગ પીવા માટે પાણી પુરું પાડવાની સાથે સાથે વીજળી પણ પેદા થાય છે.

સૂત્રોના કહેવા મુજબ નર્મદાની જળસપાટીમાં વૃધ્ધિને પગલે જળસ્તર 120 મીટરને વટાવી ગયું છે. બે વર્ષ પછી નર્મદાનું જળસ્તર 120 મીટરથી અધિક થયું છે. મહત્વની વાત એ છે કે પાણીની સપાટી વધવાને પગલે હવે વીજ ઉત્પાદનનો પણ લાભ થશે. રિવરબેડ અને કેનાલ હેડ પાવર હાઉસના વિદ્યુત મથકો જરુરિયાત પ્રમાણે ધમધમતા કરીને ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં તાજેતરમાં વીજ સંકટ સર્જાયું હતું હવે નર્મદાના વીજ ઉત્પાદન મથકોથી તેમાં પણ રાહત મળી શકશે.