Site icon Revoi.in

ICC T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ

Social Share

નવી દિલ્હીઃ આગામી આઈસીસી 20-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો છે. જેની ટિકીટોનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તમામ ટીકીટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. ઓનલાઇન વેબ ઉપર સોલ્ડ આઉટના પાટિયા લાગી ગયા હોવાનું જાણવા મળે છે.

ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ચાલુ વર્ષે રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપની મેચોની ટિકિટો વેચાવાનું ચાલુ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે 45 મેચની કુલ બે લાખ કરતા વધારે ટિકીટોનું વેચાણ થયું હતું. ચાલુ વર્ષના વર્લ્ડ કપમાં 23મી ઓક્ટોબરે રમાનારા મેલબોર્ન ખાતેના ભારત-પાકિસ્તાનના મહામુકાબલાની 60 હજાર ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ઓનલાઇન વેબ ઉપર સોલ્ડ આઉટના પાટિયા લાગી ગયા હતા. આઇસીસીની આ ટૂર્નામેન્ટ 16મી ઓક્ટોબરથી 13મી નવેમ્બર સુધી રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ જાય તેવું આ પ્રથમ વખત બન્યું નથી. યુઇએ ખાતે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડ કપની મેચની ટિકિટો પણ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને સામાન્ય લોકો માટેની દોઢથી બે હજાર રૂપિયાની ટિકિટોનું ભરપૂર બ્લેક માર્કેટિંગ થયું હતું અને આ ટિકિટો 70 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી વેચાઈ હતી.

આઇસીસીએ જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડ અને સુપર-12 તબક્કા માટે બાળકો માટે પાંચ ડોલરની અને મોટા લોકો માટે 20 ડોલરની ટિકિટના દર રાખવામાં આવ્યા છે. કોઈ પરિવાર બે બાળકો સાથે મેચ જોવા આવે તો તેમના માટે 50 ડોલરની ટિકિટ રાખવામાં આવી છે. હજુ સુધી પ્રત્યેક મેચની ટિકિટો ઉપલબ્ધ છે.