Site icon Revoi.in

તિહાડ જેલઃ કેદીઓ વચ્ચે મારા-મારી થતા એક કેદી ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ અંકિત હત્યા કેસ બાદ તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ અટકાતી નથી. તાજેતરમાં જ તિહાડ જેલમાં મહિલા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે દરમિયાન જેલ નંબર-8માં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જો કે, ફરજ પર તૈનાત જેલ કર્મચારીઓએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં એક કેદીને ઈજા થતા તેને સારવાર અર્થે જેલની હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે ડીડીયુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હરિનગર પોલીસે ઘાયલ કેદીનું નિવેદન નોંધીને ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલ કેદીનું નામ જાવેદ છે અને તેણે પોલીસ ફરિયાદ કરી છે. જાવેદ જેલ સંખ્યા-8માં વોર્ડ સંખ્યા 3માં બે વર્ષ અને 9 મહિનાથી બંધ છે. બપોરના લગભગ 3 કલાકે એક સેવાદારએ તેને રજિસ્ટ્રર રાખવા આપ્યું હતું. જાવેદે પોલીસને જણાવ્યું હતું કે, વોર્ડ સંખ્યા 3માં બંધ મનોજ નામનો કેદી તેની પાસે આવ્યો હતો અને રજિસ્ટ્રર માંગ્યું હતું. જે જાવેદે આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મનોજ તેને અપશબ્દો બોલીને માર મારવા લાગ્યો હતો. જેથી બુમાબુમ થતા આસપાસના અન્ય કેદીઓ અને જેલ કર્મચારીઓ દોડી આવ્યાં હતા. તેમજ બંનેને અલગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ આ બનાવને પગલે જેલની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.