Site icon Revoi.in

સંદેશખાલી કેસમાં સંડોવાયેલા શાહજહાં શેખ સામે TMCની કાર્યવાહી, છ વર્ષ માટે સસ્પેન્ડ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા નેતા શાહજહાં શેખની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીએમસીએ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં હતા. શાહજહાં શખ ઈડીના અધિકારીઓની ટીમ ઉપર થયેલા હુમલા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે કોલકતા હાઈકોર્ટના આદેશના પગલે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને બશીરહાટની અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને દસ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. શાહજહાં શેખની ધરપકડ બાદ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે.

હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, સંદેશખાલીમાં મહિલાઓના શોષણ અને જમીન પચાવી પાડવાના કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખને પશ્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સીબીઆઈ અને ઈડી પણ પકડી શકે છે. 26મી ફેબ્રુઆરીએ કોર્ટને શેખની ધરપકડ કરવા માટે નિર્દેશ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શેખ ઉત્તર 24 પરગના જિલ્લાના મિનાખાના એક ઘરમાં છુપાયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને અદાલતમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, અદાલતે સુનાવણીના અંતે 10 દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. દરમિયાન ઈડી ઉપર હુમલા માટે ભીડને ઉશ્કેરી હોવાની શેખે પોલીસ સમક્ષ કબુલાત કરી હોવાનું જાણવા મળે છે. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ પોલીસે પણ આરોપીની આગવી ઢબે પૂછપરછની કવાયત તેજ બનાવી છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે.