Site icon Revoi.in

સમાજને સલામત રાખવા આપણે સાયબર ક્રાઈમ સામે હંમેશા અવાજ ઉઠાવવો જોઈએઃ હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ગુજરાત રાજ્યના ગૃહ, રમતગમત અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે યુથ, સ્કીલ અને ઇનોવેશન (Crafting Tomorrow: Youth, skill and innovation) વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્યને અવસરોની ભૂમિ અને દેશમાં સૌથી વધારે સુરક્ષિત જગ્યાનું બિરુદ આપતા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. યુવાવર્ગ સાથે લીડરશીપ ક્વોલિટી, રમતગમત વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી.

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે યુથ, સ્કીલ અને ઇનોવેશન જેવા વિષયો ઉપર ગુજરાત સરકાર હંમેશાં યોજનાઓ અને નવી તકોનું સર્જન કરવા પ્રયત્નશીલ રહે છે. ગુજરાત પોલીસની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રિના સમયે પોલીસ વિભાગ ખડેપગે રહેતું હોય છે અને તે કારણે સૌ કોઈ સહી સલામત રીતે મોડી રાત સુધી નવરાત્રિના તહેવારની મજા માણી શકે છે. વધારેમાં વધારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવે તે સમયની માગ છે. અમદાવાદમાં રમાયેલ વર્લ્ડ કપની મેચોમાં લોકોએ મેટ્રો ટ્રેનનો મહત્તમ ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી હતી, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ સામે હંમેશાં અવાજ ઉઠાવવો જોઇએ જેથી આપણી આસપાસના લોકો સલામત રહે અને સમાજમાં સાયબર ક્રાઇમને પોલીસ સમક્ષ રિપોર્ટ કરવાં વિશેની પ્રચલિત નકારાત્મકતા પણ દૂર થાય, એવું તેમણે ઉમેર્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 10 જાન્યુઆરી, 2024થી ચાલુ થઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રીન્યુએબલ એનર્જી, સેમી કંડકટર અને મેનેજમેન્ટ જેવા સ્ટાર્ટ અપને લગતા વિષયોને સામેલ કરવામાં આવશે. મંત્રીશ્રીએ ગુજરાત યુનિવર્સિટીનીના સ્ટાર્ટ અપને લગતા કામની તેમણે પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે તાજેતરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશનને સારી રીતે આગળ વધારવા, દેશ અને રાજ્યને સ્વચ્છ રાખવા, રેશ ડ્રાઈવિંગ બંધ કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો.

મંત્રીએ યુવા વર્ગને સંબોધતાં કહ્યું હતું કે સૌ સાથે મળીને સમાજમાં સારા વિષયો ઉપર કામ કરીને આગળ વધી લીડરશીપ ક્વોલિટી સાથે રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થઈએ. ગુજરાત સરકાર હંમેશાં નવું શીખવા તત્પર રહે છે. સૌ કોઈ માટે નવી વ્યવસ્થા ઊભી કરવા સરકાર પ્રયત્નશીલ રહે છે. આ કાર્યક્રમમાં ગુજરાત યનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુશ્રી ડૉ. નીરજા ગુપ્તા, નેધરલેન્ડના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ કમિશનર અમલાન બોરા, પ્રોફેસર શશિકાંત શર્મા, અન્ય આમંત્રિત આંતરરાષ્ટ્રીય મહેમાનો અને ગુજરાત યુનવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.