Site icon Revoi.in

ઈઝરાયેલના હુમલામાં ઈરાનના ટોચના નૌસેના કમાન્ડર અલીરેઝા તંગસિરીનું મોત

Social Share

તેલ અવીવ, 26 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ વિનાશક વળાંક લઈ રહ્યું છે. એક ઈઝરાયેલી અધિકારીના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં થયેલા એક ચોકસાઈપૂર્વકના હુમલામાં ઈરાની નૌસેનાના શક્તિશાળી કમાન્ડર અલીરેઝા તંગસિરી માર્યા ગયા છે. ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નેવી પાંખના વડા તંગસિરીનું મોત બંદર અબ્બાસના વ્યૂહાત્મક બંદર શહેરમાં થયું હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.

કોમોડોર તંગસિરી રણનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’ ના સંચાલન અને દેખરેખ માટે જવાબદાર હતા. આ માર્ગ પર ઈરાનના પ્રભુત્વને કારણે મધ્ય પૂર્વથી વિશ્વભરમાં થતી તેલ અને ગેસની સપ્લાય લાંબા સમયથી પ્રભાવિત થઈ છે. જો તંગસિરીના મોતની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો ફારસની ખાડીમાં ઈરાનની સૈન્ય પકડ નબળી પડી શકે છે અને તે વૈશ્વિક ઊર્જા બજાર માટે મોટા સમાચાર સાબિત થશે.

દક્ષિણ ઈરાનના બુશેહર પ્રાંતમાં જન્મેલા તંગસિરીએ 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ અને વિખ્યાત ‘ટેન્કર વોર’ દરમિયાન પરાક્રમ બતાવ્યું હતું. 2010 થી 2018 સુધી ડેપ્યુટી કમાન્ડર તરીકે સેવા આપ્યા બાદ તેમને IRGC નૌસેનાના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ ઈરાની સૈન્યના સૌથી અનુભવી અને શક્તિશાળી અધિકારીઓમાંના એક ગણાતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને તેના અનેક દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. યુદ્ધના પ્રથમ દિવસે જ સર્વોચ્ચ નેતા અલી ખામીનેઈના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. 17 માર્ચે તેહરાન પાસે થયેલા ઈઝરાયેલી હુમલામાં વરિષ્ઠ નેતા અલી લારીજાની અને તેમના પરિવારનું મોત થયું હતું. રિવોલ્યુશનરી ગાર્ડના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું પણ તાજેતરમાં જ અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, જેમના ટીવી ઇન્ટરવ્યુના ગણતરીના કલાકો બાદ જ આ હુમલો થયો હતો.

એક્સપર્ટ્સનું માનવું છે કે, ઈરાની સૈન્ય અને રાજકીય નેતૃત્વ પર થઈ રહેલા આ સતત હુમલાઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવા અથવા તેના સંરક્ષણ કવચને સંપૂર્ણપણે તોડી નાખવાની રણનીતિનો ભાગ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ઈરાન યુદ્ધના નામે કરોડોનું ઉઘરાણું: IBએ બોગસ સંસ્થાઓ અને ઠગ ટોળકીઓથી ચેતવ્યા

Exit mobile version