Site icon Revoi.in

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, કલેકટરનો આદેશ પણ નગરપાલિકા માનતી નથી

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે દુર થઈ ગયો છે. પણ નાના નગરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. પાલનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી. જિલ્લા કલેકટરે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા આદેશ આપ્યો હતો. પરંતુ હજુ પણ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરને પકડવા માટે નગરપાલિકાના સત્તાધિશોને કોઈ રસ હોય તેમ લાગતું નથી. રખડતા ઢોરને કારણે શહેરમાં અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.

સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં આખલાઓ અને ગાય મુખ્ય માર્ગો અને ડિવાઈડર પર અડિંગો જમાવી બેસતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરના કોઝી વિસ્તારમાં બે માસ અગાઉ એક આખલાએ રાહદારી વૃદ્ધને શિંગડા વડે હવામાં ઉછાળ્યા હતા. ત્યાર બાદ 15 દિવસ પહેલા એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મહિલાને હાથે ફેક્ચર થઈ ગયું હતું.

પાલનપુર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટએ પાલનપુર નગરપાલિકાને પશુઓ પકડવા બાબતે નોટિસ આપ્યા બાદ મોડે મોડે જાગેલા નગરપાલિકાએ ત્રણ-ચાર દિવસ શહેરમાં રખડતા આખલાઓ પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. શહેરના કેટલાય વિસ્તારોનાં મુખ્ય માર્ગો પર આખલાઓએ અડિંગો જમાવી બેસતા અનેક વાહન ચાલકો રસ્તા ઉપર બેઠેલા ઢોરો સાથે અથડાઈ જતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. પાલનપુર નગરપાલિકા હજુ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહી છે તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે.