Site icon Revoi.in

મહીસાગરના અલદરી માતા ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Social Share

અમદાવાદઃ મહીસાગર જિલ્લો પોતાના કુદરતી સૌંદર્યના કારણે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. મહીસાગર જિલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં ઘોધ અને ઝરણાં પણ સક્રીય થયાં છે. ત્યારે ખાનપુર તાલુકાના બકોર- પાંડરવાળા પાસે આવેલ વાવકુવા જંગલ વિસ્તારમાં અલદરી માતાનો ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ સક્રિય થતાં આ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. 

આ કુદરતી સૌંદર્યને જોવા માટે અહીંયા રાજ્યભરમાંથી તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશથી પર્યટકો પ્રવાસે આવતા હોય છે. જો કે, પ્રકૃતિ પ્રમીઓની કમનસીબી કે અહીંયા આવતા પ્રવાસીઓ સેલ્ફીના ચક્કરમાં પગ લપસી જતાં અવાર-નવાર પ્રવાસીઓ ધોધમાં ડૂબી જતા હોય છે. આવી ઘટનાઓને અટકાવવા માટે ખાનપુર તાલુકના મામલતદાર દ્વારા ચોમાસા દરમિયાન ધોધ જોવા આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકવાનો આદેશ કરાયો છે. આ આદેશના અમલ માટે અલદારી માતાના ધોધ પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53 ટકા જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. તેમજ અનેક ઝરણા ફરીથી જીવીત બન્યાં છે. ડાંગ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં આવેલા અનેક ઝરણા વહેતા થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે, તેમજ સંદુરતાને નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદને પગલે 207 જેટલા જળાશયોમાં 50 ટકાથી વધારે જેટલો જળસંગ્રહ થયો છે.