Site icon Revoi.in

બજાણા અભ્યારણ્યમાં ઘૂડસર, કાળીયાર, ચિંકારાને નિહાળવા માટે ગરમીને લીધે પ્રવાસીઓ આવતા નથી

Social Share

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં હિલ સ્ટેશન અને દરિયાઈ બીચ પર સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. જ્યારે રણ વિસ્તારમાં આવેલી ઘૂડસર અભ્યારણ્યમાં તે એવી સ્થિતિ છે. કે એક પણ પ્રવાસી આવ્યા નથી. રણ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ખૂબ વધતું હોય છે. એમાયે આ વખતે કાળઝાળ ગરમીમાં રણ વિસ્તારનું તાપમાન 48 ડિગ્રીએ પહોંચી ગયું હતું, અફાટ રણ, ગરમ લૂ ફેકતાં પવનો અને અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લેવાનું ટાળે તે સ્વાભાવિક છે. એટલે છેલ્લા મહિનામાં એકપણ પ્રવાસીએ અભ્યારણ્યમાં આવવાની હિંમત કરી નથી.

કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમાય અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો નોંધાયો હતો. હાલ રણમાં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોંચ્યો છે. જેમાં છેલ્લા એક મહિનામાં અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી ડોકાયો નથી.

વન વિભાગના અધિકારીના કહેવા મુજબ 1973માં રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન, સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે. એમાય કચ્છના નાના રણમાં પાંચ-છ વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા અને 2019માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082એ પહોંચવા પામી છે.

વન વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો નોંધાયો હતો. ત્યારે હાલ રણમાં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોંચ્યો હતો. જેમાં છેલ્લા એક મહિનામાં અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી ડોકાયો નથી. ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનનકાળનો સમયગાળો હોવાથી ઘૂડખર અભ્યારણ સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો 16 જૂનથી 15 ઓકટોબર એમ ચાર મહિના પ્રવાસીઓ માટે સદંતર બંધ રહેશે છતાં હાલમાં રણમાં પ્રવાસીઓ ધસારો હોવાના બદલે આગ ઓકતી ગરમીમાં છેલ્લા એક મહિનામાં એક પણ પ્રવાસીએ રણની મુલાકાત લીધી નથી એ પણ કડવી વાસ્તવિકતા છે. (file photo)