Site icon Revoi.in

પંજાબના સંગરુરમાં ઝેરી દારૂએ લીધો 21નો ભોગ, એક જ મકાનમાંથી મળ્યો 200 લિટર શરાબ

Social Share

સંગરુર: પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી થનારા મોતની સંખ્યા વધવાનું અનુમાન છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોના જીવ ગયા છે. મહત્વપૂર્ણ છે કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમાથી 6ના મોત નીપજ્યા છે. સંગરુરના સીએમઓ પ્રમાણે, હોસ્પિટલમાં 40 લોકોને ભરતી કરવામાં આવ્યા હતા. તેમના દારૂમાં ઈથેનોલ હતો.

20 માર્ચ એટલે કે બુધવારે ઝેરી દારૂના કારણે 4 લોકોના મોત નીપજ્યા હતા. તેના સિવાય ઘણાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બીજા દિવસે એટલે કે ગુરુવારે વધુ ચારના મોત નીપજ્યા હતા. પટિયાલાની રાજિંદર હોસ્પિટલમાં ચારના મોત નીપજ્યા. શુક્રવારે અન્ય આઠ લોકોના મોત નીપજ્યા હતા. 22 માર્ચે જ મૃતકોની સંખ્યા 16ની થઈ હતી. શનિવારે પાંચ લોકોના મોત સાથે કુલ આંકડો 21એ પહોંચ્યો હતો.

પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી આ મામલામાં 6ની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યુ છે કે એક મકાનમાં ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. જાણકારી મળ્યા બાદ પોલીસે દરોડો પાડયો, તો 200 લિટર ઈથેનોલ જપ્ત કરાયો. આ એક પ્રકારનું ઝેરી કેમિકલ હોય છે. પંજાબ સરકારે મામલાની તપાસ કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.

પોલીસનું કહેવું છે કે એસઆઈટી આ નેક્સની પાછળની તમામ લિંકને શોધશે. ચાર સદસ્યની એસઆઈટીનું નેતૃત્વ એડીજીપી લૉ એન્ડ ઑર્ડર આઈપીએસ ગુરિંદર ઢિલ્લો કરશે. તેમા ડીઆઈજી પટિયાલા રેન્જ હરચરન ભુલ્લર આઈપીએસ, એસએસપી સંગરુર સરતાજ ચહલ અને એડિશનલ કમિશનર એક્સાઈઝ નરેશ દુબે સામેલ છે.