Site icon Revoi.in

ગોંડલના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, રોડ પરના દબાણો અને આડેધડ પાર્કિંગ જવાબદાર

Social Share

ગોંડલઃ  શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. શહેરના બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ, જેલચોક, પાંજરાપોળ, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, ત્રણ ખૂણિયા સહિતના વિસ્તારોમાં રોજિંદા મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. ત્યારે સવારથી સાંજ સુધીમાં અનેકવાર આ મુખ્ય ચોક પર ટ્રાફિકજામ થવા પામે છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો તેમજ શહેરના રસ્તાઓ પર દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ફૂટપાથ પર બ્લોક ફિટ કરી આપવામાં આવ્યા છે.પરંતુ ફૂટપાથ પર વાહન પાર્કિંગના બદલે દુકાનદારો પોતાના વ્યવસાયની વસ્તુઓ ફૂટપાથ પર પાથરે છે. ફૂટપાથ પર મોટા ભાગના લોકોએ દબાણ કર્યું છે.  મ્યુનિ.ના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં નહિ આવે તો હજુ ટ્રાફિકની સમસ્યા વધતી જતી રહેશે હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર કેમ દબાણો દૂર નથી કરાવી શકતું. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. રોડ પર આડેધડ પાર્કિંગ કરવારા વાહનચાલકો સામે પણ કોઈ પગલાં લેવામાં આવતી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોંડલ શહેરના પોલીસ પોઇન્ટ પર પોલીસ સ્ટાફ પણ ઉભા રહે છે. પણ ફૂટપાથ પર આડેધડ દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે. ફૂટપાથ પર દુકાનદારો પોતાનો સામાન ખડકીને બેઠા છે. વાહન ચાલકોને રોડ પર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. જેલરોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ રોડ, કડીયા લાઈન સહિતના વિસ્તારોમાં ફૂટપાથ પર દુકાનદારો અડિંગો જમાવીને બેઠા છે.