Site icon Revoi.in

ભુજમાં જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સર્જાતી સમસ્યા

Social Share

ભુજઃ કચ્છના મુખ્ય મથક ગણાતા ભૂજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસતીમાં વધારો થવાની સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના વાણિયાવાડ, છઠ્ઠી બારી, અનમ રિંગરોડ અને જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ રૂપે દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યુબિલી સર્કલ ખાતે વહેલી સવારથી જ વાહનો અને લોકોનો જમાવડો જોવા મળે છે. લોકો રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ કરતા હોવાથી રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે પોલીસ અને નગરપાલિકાના સત્તાધિશોએ આ પ્રશ્ને ઉકેલ લાવે તેવી નાગરિકાની માગ ઊઠી છે.

ભૂજના લોકોના કહેવા મુજબ શહેરના જ્યુબિલી સર્કલ નજીક મુન્દ્રા રોડ તરફના સ્થળે એસટી બસ અને ખાનગી વાહનો ઊભા રહે છે, તો આસપાસ મોટી સંખ્યમાં ટુ વ્હીલર્સ પાર્ક થયેલા પડયા રહે છે, જ્યારે લારી ગલ્લાનો પણ જમાવડો ટ્રાફીકમાં વધારો કરે છે. જેને લઇ અવરજવરમાં હાલાકી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉ જ્યુબિલિ સર્કલની 100 મીટરની ત્રિજ્યામાં વહન પાર્કિંગ, મુસાફરો ઉતારવા, ઉપાડવા માટે બસ કે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી વાહનો અન્યત્ર ઊભા રહે તે માટે વ્યવસ્થા ઊભી કરાઇ હતી પણ તેની અમલવારી ના થતા કાયમ ભીડભાડનો માહોલ સર્જાય છે. જોકે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયંત્રણ માટે ઝઝૂમતી રહે છે. અહી પાર્કિંગ સુવિધા વિકસાવવી જરૂરી છે.

ભુજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે આયોજનબદ્ધ રીતે પાર્કિંગ પ્લોટ ફાળવ્યા છે. શહેરના છ-છ ફળિયા, સોનીવાડ, છઠી બારી, ખત્રી ચકલા, અનમ રીંગ રોડ એમ કુલ 30 જગ્યાએ ‘ભાડા’એ પાર્કિંગ વ્યવસ્થા માટે નાની મોટી જગ્યા ફાળવામાં આવી છે. અલબત્ત આ જગ્યાઓ પર આજ સુધી પાર્કિંગ માટે સુચારુ રીતે વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. અમુક જગ્યાએ તો છાપરાવાળા બાંધકામ થઈ ગયા છે. આ વિશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પંરતુ સંકલનના અભાવે આ કાર્ય થઈ શક્યુ નથી.