Site icon Revoi.in

ભાવનગરના મહુવામાં ટ્રાફિકની સમસ્યા, વાહનોની અવરજવરના પ્રતિબંધનો ભંગ કરતા વાહનચાલકો

Social Share

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. વાહનચાલકો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. અને ટ્રાફિક પોલીસનો ભય ન હોય તેમ બિન્દાસ્તથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે. મહુવા શહેરમાં મખ્ય બજારમાં વેપારીઓએ દુકાનો બહાર દબાણો કરેલા હોય છે. ઉપરાત વાહનચાલકો નો એન્ટ્રી હોવા છતાં વાહનો ઘૂસાડતા હોય છે. તેથી રાહદારીઓને રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. અગાઉ પણ આ અંગે રજુઆતો કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઇ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે દ્વારા  શહેરના વાછરડા વિરથી વાસીતળાવ સહિત વિસ્તારોમાં વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા ઈસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલું હોવા છતાં  આ જાહેરનામાનું કોઇ પાલન થતુ નથી.

મહુવાના વાસીતળાવથી વાછડાવીર સુધી સવારે 8થી રાત્રીના 8 કલાક સુધીનો પાર્કીંગ ઝોન તથા ભારે વાહન પર પ્રતિબંધ અને વાછડાવીરથી કેબીનચોક, નવાઝાપા સુધી, વાછડાવીરથી કેબીન ચોકથી ભાદ્રોડ ઝાપા સુધી, પોલીસ સ્ટેશનથી ભાદ્રોડ ઝાપાથી મ્યુની. હદ સુધી સવારે 8 થી રાત્રીના 8 કલાક સુધી ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકતા જાહેરનામું વર્ષો પહેલા જોહેર કરાયુ હતું. જેનો અમલ આજે પણ યથાવત છે. જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો  વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પરંતુ આ જાહેરનામાનું કોઇ પાલન થતુ નથી. મહુવાના વાછરડાવીરથી વાસીતળાવ સુધીનો રસ્તો સાંકડો હોય આ રોડ ઉપર દિવસ દરમિયાન અનેકવાર ચક્કાજામ થાય છે. વર્ષો પહેલા આ રોડ એક માર્ગીય હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહુવા શહેરમાં ડોકટર સ્ટ્રીટના માત્ર 500 મીટરના રોડ ઉપર તેમજ જુના શહેરના માત્ર 12 થી 15 ફુટના પહોળા રોડ ઉપર ભારે વાહન પ્રવેશ પ્રતિબંધનો અમલ કરવામાં આવે અને ફોર વ્હીલ વાહન ઉપર પ્રતિબંધનો અમલ કરવામાં આવે અને રોડની ટ્રાફિક અડચણ દુર કરવા માટે ભાદ્રોડ ઝાંપા માફક સતત અને સઘન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો મહુવાની માથાના દુ:ખાવા સમાન આ રોડની ટ્રાફીક સમસ્યા હલ થાય. હાલમાં આ સમસ્યાથી નગરજનો ત્રાહીમામ થઈ ગયા છે.