Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા 8 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત, કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલી રહી છે. ત્યારે સરકારે જે શાળાઓમાં શિક્ષકો અપુરતા હોય તેવી શાળાઓમાં ફિક્સ પગારમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પ્રવાસી શિક્ષકોની 31મી ઓક્ટોબરે મુદ પૂર્ણ થઈ ગઈ છે.  રાજ્યથી ધણીબધી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો  છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં તેમણે પ્રવાસી શિક્ષકોને પગાર ન મળ્યાની વાત લખી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આ મામલે રજૂઆત કરતા જણાવ્યુ છે કે, દાહોદમાં 270 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 11 મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે તેમને તાત્કાલિક વેતન ચૂકવવી દેવું જોઈએ. આજથી એટલે કે 1લી નવેમ્બરથી જ્ઞાન સહાયક યોજના લાગુ થઈ રહી છે. ત્યારે જ્ઞાન સહાયકોની નિયુક્તિની પ્રકિયા પણ આદરી દેવામાં આવી છે. ત્યારે પ્રવાસી શિક્ષકોને બાકી પગાર ઝડપથી પગાર ચૂકવી દેવો જોઈએ.  તા. 30 ઓક્ટોબર પ્રવાસી શિક્ષકોની કામગીરીનો આખરી દિવસ હતો. ત્યારે છેલ્લા 8 મહિનાથી ઘણાં પ્રવાસી શિક્ષકોને પગાર ચૂકવાયો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે પ્રવાસી શિક્ષકોને દુષ્પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરના દિવસથી 10 હજાર પ્રવાસી શિક્ષકોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ત્યારે સરકાર સત્વરે પ્રવાસી શિક્ષકોને વેતન ચૂકવે તેવી માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ છે કે, સરકાર પ્રવાસી શિક્ષકોને કાઢી જ્ઞાન સહાયક લાવવા માગે છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 32 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે. જેમાં ધોરણ 9 અને 10ના વર્ગમાં 7 હજાર જેટલા શિક્ષકો તો ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 11 અને 12માં 3500 શિક્ષકોની ઘટ છે.