Site icon Revoi.in

વસ્તડીના ભોગાવો નદી પરનો પુલ ધરાશાયી બાદ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા પડતી મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ ધરાશાયી થયાને મહિનાઓ વિતી ગયા છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા રોડ પરના ભાદર નદી પરના પુલ ધરાશાયી થતાં 100 જેટલા ગામોને મુશ્કેલી પડી રહી છે. અને વાહન માટે ભાદર નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ મોટા મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન માટેનો રસ્તો યોગ્યરીતે બનાવાયો નથી. અને પથ્થરોને લીધે વાહનોમાં પંકચર પડવાના બનાવો પણ વધી રહ્યા છે.

વસ્તડી ગામ પાસે ભાદર નદીના સામાકાંઠાના મેલડી માતાના મંદિર પાસેથી ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝનના લીધે વાહનચાલકો પરેશાન છે. બસ સહિતના વાહનોની અવરજવર બંધ થતા હજારો લોકોને વસ્તડીમાં આવવા જવા માટે અભિમન્યુનો કોઠો ભેદવા સમાન મુશ્કેલી પડી રહી છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતો પુલ ધરાશાયી થતાં 100 ગામોના હજારો લોકોને પારાવાર પરેશાની થઇ રહી છે. સરકારી તંત્રે ભોગાવા નદીમાં ડાયવર્ઝન આપ્યું છે. જેમાં સામા કાંઠાના મેલડી માતાના મંદિર પાછળથી વૈકલ્પિક રસ્તો જાય છે. આ ડાયવર્ઝન પર નાના પથ્થરો અને કાંકરી પાથરી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ ડાયવર્ઝન અંગે વસ્તડી ગામના ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, ડાયવર્ઝનના કામમાં લોલમલોલ થયું છે. અનેક જગ્યાએ કપચીઓ ઉડવાથી વાહનચાલકોને હાલાકી થાય છે. અનેક વાહનો ડાયવર્ઝનમાં ફસાતા જોવા મળે છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને ચુડા વચ્ચે દોડતી ખાનગી બસો બંધ થઇ છે. આથી ગ્રામજનોને જિલ્લા અને તાલુકા મથકે જવું મુશ્કેલીરૂપ છે. તેથી આ નદી પર પુલની કાર્યવાહી ઝડપથી થાય તેવી માંગ છે.