વોશિંગ્ટન, 30 જાન્યુઆરી 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા કડકડતી ઠંડી દરમિયાન એક સપ્તાહ સુધી યુક્રેનની રાજધાની કિવ અને અન્ય શહેરો પર હુમલો ન કરવા માટે સહમત થયું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નિર્ણય માનવીય કારણોસર લેવામાં આવ્યો છે, કારણ કે અત્યંત ઠંડીમાં મિસાઈલ હુમલા થવાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ અનેકગણી વધી જાય છે.
ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે કેબિનેટને જાણકારી આપતા કહ્યું હતું કે જિનીવામાં થયેલી વાતચીત બાદ યુક્રેન તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે. યુક્રેનનું માનવું છે કે જિનીવા બેઠક પછી જે પ્રગતિ થઈ છે, તેવી છેલ્લા ચાર વર્ષમાં ક્યારેય જોવા મળી નથી. વિટકોફે ખુલાસો કર્યો કે તાજેતરમાં અબુ ધાબીમાં અમેરિકી અધિકારીઓ અને પાંચ રશિયન જનરલો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે શાંતિ કરારના મુસદ્દા પર કામ ખૂબ આગળ વધી ગયું છે અને એક સપ્તાહ પછી ફરીથી ચર્ચા થશે.
સ્ટીવ વિટકોફે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી પાસે એક સુરક્ષા પ્રોટોકોલ કરાર અને એક સમૃદ્ધિ કરાર છે જે મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યા છે. મને લાગે છે કે યુક્રેનના લોકો હવે આશા રાખી રહ્યા છે કે અમે ટૂંક સમયમાં કોઈ શાંતિ સમજૂતી પર પહોંચીશું.” રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત વિશે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું, “મારા અનેક સલાહકારોએ મને પુતિનને ફોન ન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેનો કોઈ ફાયદો નહીં થાય. પરંતુ મેં વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને વિનંતી કરી કે ભીષણ ઠંડીને જોતા એક સપ્તાહ સુધી કિવ અને અન્ય શહેરો પર ગોળીબાર ન કરવામાં આવે, અને તેઓ આ માટે રાજી થઈ ગયા.”
અમેરિકી પ્રશાસન પોતાની આ નીતિને “તાકાત દ્વારા શાંતિ” ગણાવી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે યુક્રેનમાં અત્યારે રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે અને હાલાત અમેરિકા જેવા જ છે, તેથી નાગરિકોની પરેશાની જોઈને તેમણે હસ્તક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ હવે ચોથા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, જેમાં ભારે જાનહાનિ અને નુકસાન થયું છે, પરંતુ હવે યુદ્ધવિરામની આશા જાગી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: વરસાદ-હિમવર્ષાને લઈને 10 જિલ્લામાં એલર્ટ

