વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2025 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવતા નવી રાજકીય હલચલ મચાવી દીધી છે. નિકોલસ માદુરોની ધરપકડ બાદ, ટ્રમ્પે હવે વેનેઝુએલાના કાર્યકરી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકાના નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેમનું અંજામ પણ માદુરો જેવું જ આવશે.
એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વેનેઝુએલામાં લોકશાહી અને સ્થિરતા લાવવી એ અમેરિકાની પ્રાથમિકતા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ‘નેશન બિલ્ડિંગ’ (રાષ્ટ્ર નિર્માણ) વિરુદ્ધના પોતાના અગાઉના નિવેદનોથી કેમ હટી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે મક્કમતાથી જવાબ આપ્યો કે, “આ આપણો વિસ્તાર છે, મોનરો ડોક્ટ્રિન હેઠળ.”
- તેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર
ટ્રમ્પે વેનેઝુએલાની હાલની સ્થિતિને “ડેડ” (નિષ્પ્રાણ) ગણાવતા કહ્યું કે દેશને ફરી પાટા પર લાવવો અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમેરિકાની આસપાસના દેશો સ્થિર અને સફળ હોવા જોઈએ. વેનેઝુએલાના તેલના પુરવઠામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી ઊભું કરવા માટે મોટી તેલ કંપનીઓએ જંગી રોકાણ કરવું પડશે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા પોતે કોઈ સીધું રોકાણ નહીં કરે, પરંતુ તે વેનેઝુએલાના હિતો અને ત્યાંના લોકોનું ધ્યાન રાખશે, જેમાં અમેરિકામાં શરણ લઈ રહેલા વેનેઝુએલી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
- ડેલ્સી રોડ્રિગ્ઝને સીધી ચેતવણી
જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે શું ડેલ્સી રોડ્રિગ્ઝ દેશનું નેતૃત્વ કરશે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમની ટીમ તેમના સંપર્કમાં છે. પરંતુ સાથે જ કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, “જો તેમણે અમેરિકી સૂચનાઓનું પાલન ન કર્યું, તો તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.” ટ્રમ્પના આ નિવેદનથી દક્ષિણ અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તેલના બજાર પર પણ તેની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ ક્રિકેટના ઇતિહાસમાં ચાર રેકોર્ડ એવા જે આજના સમયમાં તોડવા અશક્ય

