Site icon Revoi.in

ઈરાનને સમજૂતી માટે ટ્રમ્પનું એક સપ્તાહનું અલ્ટીમેટમ: સંસદના સ્પીકર પર વિશ્વની નજર

Social Share

વોશિંગ્ટન, 31 માર્ચ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંબંધો અને સંભવિત શાંતિ સમજૂતી અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફ અમેરિકા સાથે સહયોગ કરશે કે નહીં, તેનો ખુલાસો આગામી એક સપ્તાહમાં થઈ જશે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનમાં સત્તાનું માળખું બદલાઈ રહ્યું છે અને જૂનું નેતૃત્વ હવે લગભગ ખતમ થઈ ગયું છે.

ટ્રમ્પે ઈરાનમાં થયેલા આંતરિક ફેરફારોને ‘નાટકીય’ ગણાવતા કહ્યું કે, “અમે હવે ઈરાનના સંપૂર્ણપણે નવા જૂથ સાથે વાતચીત કરી રહ્યા છીએ. અત્યાર સુધીના અનુભવ મુજબ આ લોકો અગાઉના શાસકો કરતા વધુ સમજદાર સાબિત થયા છે.” વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે પણ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પ આગામી 6 એપ્રિલ સુધીમાં ઈરાન સાથે કોઈ નક્કર સમજૂતીની અપેક્ષા રાખી રહ્યા છે.

ટ્રમ્પે ઈરાનને “બહુ મોડું થઈ જાય તે પહેલાં” સમજૂતી કરી લેવા ચેતવણી આપી છે. ગયા અઠવાડિયે ઈરાનના ઉર્જા પ્લાન્ટ્સ પર થનારા હવાઈ હુમલા મોકૂફ રાખ્યા બાદ હવે 6 એપ્રિલની નવી સમયમર્યાદા નક્કી કરાઈ છે. અમેરિકી અધિકારીઓના મતે, પડદા પાછળ ચાલી રહેલી વાટાઘાટોમાં ઈરાની અધિકારીઓનું વલણ હકારાત્મક જણાય છે.

એક તરફ ટ્રમ્પ આશાવાદી છે, તો બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ‘અલ જઝીરા’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ઈરાન અત્યારે કઈ રીતે નિર્ણયો લઈ રહ્યું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. રવિવારે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સીધા સંઘર્ષને એક મહિનો પૂર્ણ થયો છે. આ સ્થિતિમાં ટ્રમ્પે ફરી એકવાર આકરી ધમકી આપતા કહ્યું છે કે, જો નિર્ધારિત સમયમાં સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કુવાઓ અને વ્યૂહાત્મક રીતે મહત્વના ખાર્ગ ટાપુને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.

સ્થાનિક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પના દાવા છતાં જમીની સ્તરે હજુ કોઈ નક્કર પ્રગતિ દેખાતી નથી. મધ્ય પૂર્વમાં સતત વધી રહેલી સૈન્ય તૈનાતી શાંતિની આશા પર પાણી ફેરવી રહી છે. હવે આખું વિશ્વ 6 એપ્રિલની સમયમર્યાદા તરફ નજર માંડીને બેઠું છે.

Exit mobile version