Site icon Revoi.in

ટ્રમ્પનું ખાડી દેશોને અલ્ટીમેટમ: અબ્રાહમ એકોર્ડમાં સામેલ થાવ, નહીંતર ઈરાન સાથેની શાંતિ ડીલ પર ફરી વિચાર કરાશે

Social Share

વોશિંગ્ટન, 28 મે 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાન સાથે સંભવિત શાંતિ સમજૂતીની અટકળો વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક રાજદ્વારી સંકેત આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખાડી દેશોએ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવતા ‘અબ્રાહમ એકોર્ડ’માં તાત્કાલિક સામેલ થવું જોઈએ. જો આ દેશો આ સમજૂતીનો ભાગ નહીં બને, તો અમેરિકા ઈરાન સાથેની આગામી ડીલ પર પુનઃવિચાર કરી શકે છે અને મિડલ ઈસ્ટમાં પોતાના શાંતિ પ્રયાસોને મર્યાદિત કરી શકે છે.

વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી અને ઈજિપ્ત (મિસ્ર) જેવા દેશોને આ ઐતિહાસિક કરારમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે જો આ દેશો આ પહેલનો હિસ્સો બનશે, તો તે મધ્ય પૂર્વના ઈતિહાસમાં એક ઘણો મોટો અને સકારાત્મક બદલાવ સાબિત થશે. ટ્રમ્પના આ નિવેદન બાદ વૈશ્વિક રાજકારણ અને કૂટનીતિના સ્તરે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કેબિનેટ મીટિંગ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે સાઉદી અરેબિયા, કતાર અને અન્ય દેશોએ તરત જ આ કરારનો હિસ્સો બનવું જોઈએ. તેઓ અમારા પ્રત્યે આ જવાબદારી નિભાવશે. જો તેઓ આવું કરશે તો તે ખરેખર ઐતિહાસિક ક્ષણ હશે.”

ટ્ર્મ્પે ખાડી દેશોને નવી ડીલને લઈને આપી ચીમકી

ટ્રમ્પે વધુમાં માહિતી આપી હતી કે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જારેડ કુશનર આ દિશામાં સતત રાઉન્ડ-ધ-ક્લોક કામ કરી રહ્યા છે. બેઠક દરમિયાન જ્યારે ટ્રમ્પે પૂછ્યું કે શું અન્ય દેશોને આ કરારમાં સામેલ કરી શકાય તેમ છે? ત્યારે વિટકોફે હકારાત્મક જવાબ આપતા કહ્યું કે, “અમે આ યોજના પર અમારી પૂરી તાકાતથી કામ કરી રહ્યા છીએ.” ત્યારબાદ ટ્રમ્પે કડક લહેજામાં સંકેત આપ્યો કે જો ખાડી દેશો હસ્તાક્ષર નહીં કરે, તો મને નથી લાગતું કે આપણે કોઈ પણ પ્રકારની નવી ડીલ કરવી જોઈએ.

અબ્રાહમ એકોર્ડની શરૂઆત વર્ષ 2020 માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન થઈ હતી. આ સમજૂતીનું નામ હઝરત ઈબ્રાહિમ (અબ્રાહમ) ના નામ પર રાખવામાં આવ્યું છે, જેમને યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ત્રણેય ધર્મોમાં પવિત્ર અને સર્વોચ્ચ માન્યતા પ્રાપ્ત છે. કરારનો મુખ્ય હેતુ ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે રાજદ્વારી, વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો સ્થાપિત કરવાનો છે.

સૌથી પહેલા સંયુક્ત આરબ અમીરાત અને બહેરીને ઈઝરાયેલ સાથે પોતાના સંબંધો સામાન્ય કર્યા હતા. ત્યારપછી મોરોક્કો અને સુદાન પણ આ વૈશ્વિક પહેલમાં જોડાયા હતા. આ કરાર બાદ મિડલ ઈસ્ટમાં વેપાર, ટેકનોલોજી, પ્રવાસન, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અબજો ડોલરના કરારો થયા છે. અમેરિકાનો દાવો છે કે આ પહેલે મધ્ય પૂર્વમાં નવા વ્યાપારી માર્ગો ખોલ્યા છે. વર્ષ 1979 માં ઈજિપ્ત અને 1994 માં જોર્ડન દ્વારા ઈઝરાયેલ સાથે કરાયેલી શાંતિ સંધિઓ પછી આ કરારને આ ક્ષેત્રનો સૌથી મોટો કૂટનીતિક બદલાવ માનવામાં આવે છે.

ટ્રમ્પના નિશાના પર કયા દેશો છે?

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત અને જોર્ડનને સંભવિત હસ્તાક્ષરકર્તા તરીકે જાહેર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જે દેશો આ કરારથી જાણીજોઈને દૂર રહી રહ્યા છે, તેઓ એક પ્રકારે ખરાબ દાનત બતાવી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે આ સમજૂતીના વિસ્તારથી એક મજબૂત અને સંયુક્ત મિડલ ઈસ્ટનું નિર્માણ થશે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યમાં ઈરાન પણ આ ગઠબંધનનો ભાગ બની શકે છે અને આ અદ્વિતીય વિશ્વ ગઠબંધનમાં ઈરાનનું સ્વાગત કરવું અમારા માટે ગૌરવની વાત હશે.

ટ્રમ્પ ભલે અબ્રાહમ એકોર્ડને પોતાની સૌથી મોટી રાજદ્વારી સફળતા ગણાવી રહ્યા હોય, પરંતુ ઘણા મુસ્લિમ દેશો સામે મોટા રાજકીય અને ધાર્મિક પડકારો ઊભા છે. સાઉદીએ પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરતા પહેલા પેલેસ્ટાઈન (ફિલિસ્તીન) ને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવાની દિશામાં ઈઝરાયેલ સરકારે નક્કર અને ગંભીર પ્રગતિ કરવી પડશે. પાકિસ્તાને ઈઝરાયેલને માન્યતા આપવાની અને આ સમજૂતીમાં સામેલ થવાની તમામ શક્યતાઓને સરેઆમ ફગાવી દીધી છે. કતાર પોતાની જાતને પ્રાદેશિક વિવાદોમાં એક તટસ્થ મધ્યસ્થી તરીકે જુએ છે અને તેના હમાસ સાથે પણ સંબંધો છે, તેથી નજીકના ભવિષ્યમાં તે આ કરારમાં જોડાય તેવી સંભાવના નહિવત છે. બીજી તરફ, ઈઝરાયેલ પ્રત્યેના કટ્ટર વિરોધી વલણને કારણે ઈરાન આ ગઠબંધનમાં સામેલ થાય તે વાત હાલના તબક્કે તદ્દન અવાસ્તવિક અને અશક્ય જણાય છે.

Exit mobile version