Site icon Revoi.in

કૉંગ્રેસના નેતા શશી થરુરને ભરોસો, લોકસભા ચૂંટણીમાં ભાજપને મળશે સૌથી વધુ બેઠકો!

Social Share

કોઝિકોડ: આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તમામ પાર્ટીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે ચૂંટણીઓને લઈને સૌથી મોટી વાત કરી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે સામે ઉમેદવાર રહી ચુકેલા થરુરે કહ્યુ છે કે આ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે.

થરુરે કહ્યુ છે કે ભાજપ સૌથી વધુ બેઠકો તો લાવશે, પરંતુ પહેલાના મુકાબલે બેઠકોમાં ઘટાડો થશે. તેમણે કહ્યુ છે કે ભાજપના સંભવિત સહયોગી હવે સમર્થન આપવા માટે તૈયાર નહીં થાય અને તેના સ્થાને વિપક્ષી ગઠબંધનને સમર્થન કરે તેવી સંભાવના છે.

કેરળ લિટરેચર મહોત્સવમાં બોલતા થરુરે કહ્યુ છે કે મને હજી પણ આશા છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે, પરંતુ મારું માનવું છે કે તેની બેઠકોની સંખ્યા એટલી ઓછી હશે કે સરકાર બનાવી નહીં શકે.

થરુરે કહ્યુ છે કે કોંગ્રેસને આશા છે કે તેઓ વધુમાં વધુ રાજ્યોમાં વિભિન્ન પક્ષો સાથે સમજૂતી કરી લેશે, જેથી હારથી બચી શકાય.

કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે ઈન્ડી ગઠબંધનની બેઠક વહેંચણીની પેટર્ન અલગ-અલગ રાજ્યોમાં જુદીજુદી હશે. તેમણે બે પાડોશી રાજ્યો, કેરળ અને તમિલનાડુના ઉદાહરણો આપ્યા.

થરુરે કહ્યુ છે કે કેરળમાં આ કલ્પના કરવી લગભગ અશક્ય છે કે વિપક્ષી ગઠબંધનના બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ સીપીએમ અને કોંગ્રેસ બેઠક વહેંચણી પર સંમત થશે, પરંતુ તેના પાડોશ તમિલનાડુમાં સીપીઆઈ, સીપીએમ, કોંગ્રેસ અને ડીએમકે તમામ એકસાથે સહયોગી છે અને અહીં કોઈ વિવાદ નથી.

થરુરે કહ્યુ છે કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ દેશના લોકોને યાદ અપાવવાની જરૂરત છે કે તેઓ પોતાના મતવિસ્તારમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિને વોટ આપે, કારણ કે મોદી, મોદીના સૂત્રો લગાવનારાઓને ખબર હોવી જોઈએ કે માત્ર વારાણસીના લોકો જ વોટ કરી શકે છે. આપણે પોતાના ક્ષેત્રમાં સૌથી સારા ઉમેદવારને ચૂંટવા પડશે.