Site icon Revoi.in

ખંભાત નજીક 3.70 લાખ લીટર બાયો ડીઝલના ગેરકાયદે જથ્થા સાથે બે શખ્સ પકડાયા

Social Share

અમદાવાદઃ ડીઝલના ભાવ આસમાને પહોંચતા હવે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલના ઠેર ઠેર હાટડાં જોવા મળી રહ્યા છે. બાયો ડીઝલ પ્રમાણમાં સસ્તુ હોવાથી વેચાણ પણ સારૂ થઈ રહ્યું છે. બાયો ડીઝલના વપરાશથી પ્રદુષણ વધતું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે ગુજરાત એટીએસની ટીમે ખંભાત નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલ બનાવી વેચાણ કરતા બે શખ્સને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી બાયોડીઝલનો 3.70 લાખ લીટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી તેના વેચાણમાં અમદાવાદના ત્રણ શખ્સોની સંડોવણી ખુલી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસના પીઆઈ સી.આર. જાદવને બાતમી મળી હતી કે, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા હિન્દુસ્તાન એન્વાયરો લાઈફ પ્રોટેક્શન સર્વિસીસ લી. વડગામ ખાતે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. આ દૂષણને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચના મળી હોવાથી બાતમીની ખરાઈ કરવા માટે એટીએસની એક ટીમને રવાના કરવામાં આવી હતી. એટીએસની ટીમ બાતમીવાળી જગ્યા પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હિન્દુસ્તાન એન્વાયરો લાઈફ પ્રોટેક્શન સર્વિસીસ લી. ખાતે વપરાયેલા તથા વેસ્ટેજ ઓઈલના રી-ફાઈનીંગની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રવૃત્તિમાં અઝીમ લાકડીયા (ઉ.વ.36, રહે. પાલડી), તોફીક મેમણ (રહે. દાણીલીમડા) અને અહેમદ લાકડીયા (ઉ.વ.39. રહે. પાલડી) સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ગેરકાયદેસર બાયોડીઝલ બનાવવા માટે રો-મટીરિયલ તરીકે વપરાતું રીસાયકલ્ડ ઓઈલ, કેટાલિસ્ટ તરીકે વપરાતું એસિડ તથા બાયોડીઝલનો કુલ મળી 3,70,800 લીટરનો જથ્થો એટીએસની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે એટીએસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.