Site icon Revoi.in

અમદાવાદના કોંગ્રેસના બે મુસ્લિમ કોર્પોરેટર ઔવસીને મળ્યા, AIMIMમાં જોડાવા આમંત્રણ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને પ્રમુખો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના બે સિનિયર કોર્પોરેટરોએ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરતા કોંગ્રેસનો રાજકીય માહોલ ગરમાયો હતો.  બંને સિનિયર કોર્પોરેટરોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરોને ઔવેસીની મુલાકાત દરમિયાન તેઓને AIMIMમાં જોડાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે બંને કોર્પોરેટરોએ પોતે કોંગ્રેસ સાથે જ હોવાનું જણાવ્યું છે. ઔવેસી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

ગુજરાતમાં મુસ્લિમ મતદારોમાં વિભાજન માટે AIMIMના ઔવસી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પણ AIMIMને લીધે ફટકો પડ્યો હતો. મુસ્લિમ મતદારોમાં વિભાજનને લીધે સીધો ફાયદો ભાજપને થયો હતો. હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ઔવસીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ત્યારે કોંગ્રેસના બે મુસ્લિમ કોર્પોરેટરે ઔવસીની મુલાકાત લેતા કોંગ્રેસનું પ્રદેશ કમાન્ડ પણ ચોંકી ઊઠ્યુ હતુ.  AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરનાર ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી શાહપુર વિસ્તારમાં ગાદીપતિ બુરહાન બાવા અને ઇરફાન બાવાના સબંધી, જેઓ સૈયદ ઘરાનાના છે. ત્યાં દરગાહમાં ચાદર ચડાવવા માટે આવ્યા હતા. બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લિમઆલમ તીરમીજીના પિતરાઈ ભાઈ ઇરફાન જેઓ બાપુ છે. તેમને મળવા માટે ઘરે આવ્યા હતા. જેથી તેઓની સાથે ત્યાં મુલાકાત થઈ હતી. AIMIMના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી, જેમાં કેટલીક રાજકીય ચર્ચાઓ થઈ હતી. AIMIMમાં જોડાવવા માટે અમને જણાવવામાં આવ્યું હતું. જોકે હું વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું જેથી કોંગ્રેસ સાથે જ રહીશ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઔવેસી સાથે રાજકીય ચર્ચાઓ થઈ છે. અમદાવાદના રાજકીય સમીકરણો વિશે પણ ચર્ચા કરી હતી. બહેરામપુરાના કોર્પોરેટર તસ્લિમઆલમ તીરમીજી, વોર્ડ પ્રમુખ ઝફર અજમેરી સહિત અમને ત્રણ લોકોને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે અમે કોંગ્રેસ સાથે જ રહીશું તેમ જણાવ્યું હતું. ભૂતકાળમાં કોંગ્રેસના અન્ય લોકોએ પણ મુલાકાત કરી હતી, તો અમે પણ શુભેચ્છા મુલાકાત કરી છે. હાલમાં AIMIMમાં જોડવવાનો કોઈ ઈરાદો નથી.

Exit mobile version