Site icon Revoi.in

લીંબડી-લખતર રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના મોત, ડમ્પરચાલક ફરાર

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લીંમડી-લખતર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને પિતરાઈ ભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લીંબડી-લખતર રોડ પર ઘાઘરેરિયા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ​​​​​​સ્થળ પરજ પંચનામું કર્યું ત્યાં સુધી ચાર કલાક બંને લાશ રસ્તા પર જ પડી રહી હતી. પંચ રોજકામ કર્યા બાદ બંને મૃતદેહોને લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડમ્પરચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના લીંબડી-લખતર રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બાઈક ડમ્પર નીચે ઘૂસી ગયું હતું. અકસ્માતમાં બાઈક સવાર જેન્તીભાઈ પુંજાભાઈ રાઠોડ અને અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા નામના પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક સવાર એક વ્યકિત ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ખેતરમાં પડ્યો હતો. અકસ્માતના પગલે લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે