Site icon Revoi.in

દાંતા-પાલનપુર હાઈવે પર ટાયર ફાટતા જીપએ મારી પલટી, બેનાં મોત, 10ને ઈજા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ દાંતા-પાલનપુર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલી જીપનું ટાયર ફાટતા જીપના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ રોડ પર પલટી ખાતાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 10 જેટલાં પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાંતા તાલુકાના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા. ત્યારે સોમવારે સવારે અંધારીયા અને મુમનવાસ વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી. જીપમાં 12થી વધુ પ્રવાસીઓ સવાર હતા. દાંતાથી પાલનપુર જતી જીપનું ટાયર ફાટતા જીપચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે પ્રવાસીના મોત નિપજ્યા હતા. જેમાં એકનું નામ ભેરાભાઈ અને બીજાનું નામ બંસીભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને સુલતાનપુરાના રહેવાસી હતા. આ અકસ્માતના બનાવમાં 10 પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતને લીધે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

દાંતાથી પાલનપુર વચ્ચે દોડતી જીપોમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવે છે.  ઓવરલોડ અને બેફામ વાહનો ચલાવાતા હોવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે ફરી દાંતાથી પાલનપુર જતી જીપનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા હતા. તો સાથે સાથે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.